Sat May 02 2026

Logo

સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય! આંધ્રપ્રદેશના વેપારીને 4 લાખનો ચૂનો લગાવ્યો

2026-05-02 14:25:00
Author: Vimal Prajapati
Article Image

AI Image


ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમ વડે બજાર ભાવ કરતાં સસ્તા ઈમ્પોર્ટેડ સોનાની લાલચ આપીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ આચરતી ગેંગ કચ્છમાં ફરી સક્રિય થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર આકર્ષક રીલ્સને જોઈ સોનું ખરીદવા આવેલા આંધ્રપ્રદેશના એક વેપારી પાસેથી ધૂતારાઓએ રૂપિયા 4 લાખ પડાવી લઈ છેતરપિંડી આચરી છે. આ છેતરપિંડી કેસમાં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ઠગાઈ આચરતી ગેંગ કચ્છમાં ફરી સક્રિય થઈ

વિગતે વાત કરવામાં આવે તો, મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી ફરિયાદી બાલા અચુતકુમાર વેંકટરમણે પોલીસને જણાવ્યું કે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર ‘પ્રેમજી પટેલ’ નામના આઈડી પર સસ્તા સોનાની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતથી આકર્ષાઈને તેમણે સંપર્ક કરતા આરોપીઓએ 10 ટકા ડિસ્કાઉન્ટ પર સોનાના બિસ્કિટ આપવાનું કહી વેપારીને ભુજ બોલાવ્યા હતા.

ફરિયાદની ભુજ 4 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી

ફરિયાદી જ્યારે ભુજ આવ્યા ત્યારે આરોપીઓ તેમને એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં સુનીલ અને અન્ય એક શખ્સ, જેણે પોતાની ઓળખ ‘મોટા સાહેબ’ તરીકે આપી હતી, તેમણે વેપારીને સોનાના બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લીધા હતા. સોદો નક્કી થયા બાદ વેપારીએ રૂપિયા 01.40 લાખ રોકડા અને 02.60 લાખ રૂપિયા ઓનલાઈન એમ કુલ ૪ લાખ ચૂકવ્યા હતા. નાણાં પડાવી લીધા બાદ આરોપીઓએ સોનાના બિસ્કિટ મંગાવ્યા હોવાનું બહાનું કાઢી વેપારીને હોટલમાં મોકલી દીધા હતા. બાદમાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા વેપારીને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. 

સિકંદર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સ્થાનિક ગુનાશોધક શાખાનો સંપર્ક કર્યો હતો. પોલીસે શંકાસ્પદ શખ્સોના ફોટા બતાવતા વેપારીએ ‘મોટા સાહેબ’ તરીકે ઓળખ આપનાર શખ્સને ઓળખી બતાવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ શખ્સનું સાચું નામ સિકંદર જુસબ સોઢા છે. પોલીસે સિકંદર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતી આવી ઠગાઈથી નાગરિકોને સાવધ રહેવા કચ્છના પોલીસ વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)