Fri Jul 24 2026

Logo

કચ્છના ૨૫૦૦ આરોગ્ય કર્મચારીઓ બે મહિનાથી પગાર વિહોણા: 'ગ્રાન્ટ'ના અભાવે આર્થિક કટોકટી

2026-05-09 13:26:00
Author: Mayur Patel
Article Image

 

ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાની મુખ્ય ધરી સમાન કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર વગર કામ કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર સરકાર હસ્તકના નેશનલ હેલ્થ મિશન હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં થયેલા વિલંબને કારણે જિલ્લાના આશાવર્કરો અને અન્ય કર્મચારીઓ આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ૯૦૦ જેટલા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં માતા-બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખતી અંદાજે ૧૬૦૦ જેટલી આશાવર્કરોને ગત માર્ચ અને એપ્રિલ માસનું વેતન હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. 'એસ.એન.એ. સ્પર્શ'ની ગ્રાન્ટ હજુ સુધી ન ફાળવાઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી એકાદ-બે દિવસમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ બેંકિંગ પ્રક્રિયા અને વહીવટી મંજૂરીઓને કારણે કર્મચારીઓના ખાતામાં રકમ જમા થતા હજુ પણ ૮ થી ૧૦ દિવસનો સમય લાગી શકે છે. પગારમાં થઈ રહેલા આ સતત વિલંબને કારણે મધ્યમ અને શ્રમિક વર્ગના આ કર્મચારીઓ માટે ભયાનક મોંઘવારી વચ્ચે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

પગાર ન હોવાના આર્થિક સંકટ વચ્ચે જિલ્લા પંચાયત કચેરીએ આવતા કર્મચારીઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી હેલ્મેટ અને અન્ય ટ્રાફિક નિયમોના નામે ફટકારવામાં આવતા રૂા. ૫૦૦ સુધીના દંડને કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. "એક તરફ ખિસ્સામાં પગાર નથી અને બીજી તરફ મસમોટો દંડ ભરવો પડે છે" તેવી રાવ સાથે જિલ્લા પંચાયત સંકુલમાં કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી.

(ઉત્સવ વૈદ્ય)