Sun Apr 26 2026

Logo

રાહુલના રેકૉર્ડ-બે્રક 152 રન પણ દિલ્હીને ન જિતાડી શક્યા

2026-04-25 22:40:04
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ પંજાબ સામે શનિવારે દિલ્હીના વિકેટકીપર-બૅટ્સમૅન કે. એલ. રાહુલે (152 અણનમ, 67 બૉલ, 112 મિનિટ, નવ સિક્સર, સોળ ફોર) જે સદી ફટકારી એ કમનસીબે મૅચ-વિનિંગ તો સાબિત ન થઈ, પણ તેને આ 152 રને રેકૉર્ડ-બુકમાં જરૂર લાવી દીધો હતો. આઇપીએલ (ipl)માં ભારતના કોઈ ખેલાડીએ 150 રન કે એનાથી વધુ રન કર્યા હોય એવો પહેલો જ કિસ્સો બન્યો. જોકે રાહુલની લગભગ બે કલાકની ઇનિંગ્સની એળે ગઈ હતી, કારણકે પંજાબે 265 રનનો વિક્રમજનક ચેઝ હાંસલ કરી લેતાં દિલ્હીએ હાર જોવી પડી હતી.

રાહુલ (Rahul)ને 12 રન પર શશાંક સિંહના હાથે તેમ જ મૅચની અંતિમ પળોમાં કરુણ નાયરના હાથે જીવતદાન મળ્યું હતું. જો નાયરે એ આસાન કૅચ ઝીલ્યો હોત તો રાહુલની ઇનિંગ્સને વિપરીત અસર થઈ હોત.

રાહુલના અણનમ 152 રન આઇપીએલના ઇતિહાસમાં બેંગ્લૂરુના ક્રિસ ગેઇલના અણનમ 175 રન (2013માં પુણે વૉરિયર્સ સામે) અને કોલકાતાના બે્રન્ડન મૅક્લમના અણનમ 158 રન (2008માં બેંગ્લૂરુ સામે) પછી ત્રીજા નંબરે છે.

રાહુલ 28,000 પ્રેક્ષકો વચ્ચે પૂરી 20 ઓવર રમ્યો હતો અને 47 બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવી હતી. શુક્રવારે જેમ ગુજરાતના સાઇ સુદર્શન (100 રન)ની સદી બાદ બેંગ્લૂરુએ વિજય મેળવી લેતાં સુદર્શનની સેન્ચુરી પાણીમાં ગઈ હતી એમ સતત બીજા દિવસે (શનિવારે) રાહુલની સેન્ચુરી પણ એળે ગઈ.

IPL

પંજાબની શાનદાર જીત બાદ ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા ઓપનર પ્રિયાંશ આર્ય સહિત ટીમના દરેક ખેલાડીને મળી હતી અને તેમને શાબાશી આપી હતી.