Wed Sep 30 2026

Logo

ખરીફ વાવેતર સાધારણ વાવેતરની સમકક્ષ, પરંતુ ગત સાલની સરખાણીમાં 1.35 ટકા ઓછું

2026-09-22 19:54:26
Author: Ramesh Gohil
ખરીફ વાવેતર સાધારણ વાવેતરની સમકક્ષ, પરંતુ ગત સાલની સરખાણીમાં 1.35 ટકા ઓછું

નવી દિલ્હીઃ ગત જૂન મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખરીફ મોસમમાં અલ નિનોની અસર હેઠળ દેશમાં ચોમાસું અનિયમિત રહેતાં ગત 18મી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં ખરીફ વાવેતર સાધારણપણે થતાં 1104.45 લાખ હેક્ટર સામે સાધારણ ઘટાડા સાથે 1103.90 લાખ હેક્ટરમાં થયું છે. જોકે, ગત સાલના સમાનગાળાના 1118.95 લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર સામે 1.35 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં મુખ્ય ખરીફ પાક ગણાતા ચોખાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 445.92 લાખ હેક્ટર સામે 3.73 ટકા ઘટીને 429.28 લાખ હેક્ટર રહ્યો છે. આ સિવાય કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 117.94 લાખ હેક્ટર સામે 1.45 ટકા વધીને 119.65 લાખ હેક્ટર રહ્યો છે.

જેમાં તુવેરનો વાવેતર વિસ્તાર 46.68 લાખ હેક્ટર (45.79 લાખ હેક્ટર), અડદનો વાવેતર વિસ્તાર 25.89 લાખ હેક્ટર (23.12 લાખ હેક્ટર), મગનો વાવેતર વિસ્તાર 33.36 લાખ હેક્ટર (34.73 લાખ હેક્ટર), કળથીનો વાવેતર વિસ્તાર 59,000 હેક્ટર (68,000 હેક્ટર), મઠનો વાવેતર વિસ્તાર 9.25 લાખ હેક્ટર (9.20 લાખ હેક્ટર) અને અન્ય કઠોળનો વાવેતર વિસ્તાર 3.89 લાખ હેક્ટર (4.43 લાખ હેક્ટર)ના સ્તરે રહ્યો હતો. 

વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કડ/જાડા ધાન્ય અથવા તો શ્રી અન્નનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 184.63 લાખ હેક્ટર સામે સાધારણ વધીને 185.79 લાખ હેક્ટરના સ્તરે રહ્યો હતો. તેમ જ તેલીબિયાંનું વાવેતર પણ ગત સાલના સમાનગાળાના 194.75 લાખ હેક્ટર સામે સાધારણ વધીને 194.76 લાખ હેક્ટરમાં રહ્યું હતું,

જેમાં મગફળીનો વાવેતર વિસ્તાર 50.67 લાખ હેક્ટર (50.80 લાખ હેક્ટર), સોયાબીનનો વાવેતર વિસ્તાર 122.22 લાખ હેક્ટર (123.11 લાખ હેક્ટર), સૂર્યમુખીનો વાવેતર વિસ્તાર 1.29 લાખ હેક્ટર (70,000 હેક્ટર), તલનો વાવેતર વિસ્તાર 11.08 લાખ હેક્ટર (9.79 લાખ હેક્ટર), ખુરસાણીનો વાવેતર વિસ્તાર 71,000 હેક્ટર (74,000 હેક્ટર), એરંડાનો વાવેતર વિસ્તાર 8.67 લાખ હેક્ટર (9.53 લાખ હેક્ટર), અને અન્ય તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 12,000 હેક્ટર (8000 હેક્ટર) રહ્યો હતો. 

વર્તમાન ખરીફ મોસમમાં થયેલા રોકડિયા પાકના વાવેતરમાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 58.87 લાખ હેક્ટર સામે ઘટીને 58.47 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 6.24 લાખ હેક્ટર સામે વધીને 6.35 લાખ હેક્ટર અને કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 110.60 લાખ હેક્ટર સામે ઘટીને 109.61 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.