Wed Jul 01 2026

Logo

ખામેનીના અંતિમ સંસ્કાર: ઈરાનનું ખડગે અને નીતિન નબીનને આમંત્રણ, પીએમ મોદી પણ જઈ શકે

2026-07-01 20:55:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઈરાને ભાજપના અધ્યક્ષ નીતિન નબીન અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સ્વર્ગસ્થ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલ હુમલામાં માર્યા ગયેલા ખામેનીના અંતિમ સંસ્કાર આવતા અઠવાડિયે યોજાશે. એક અહેવાલ મુજબ વિદેશ રાજ્ય પ્રધાન પાબિત્રા માર્ગેરિતા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ ખામેનીના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી અપેક્ષા છે.

માર્ગેરિટા અને હસનૈન, જે હાલમાં બંધારણીય પદ સંભાળી રહેલા શિયા સમુદાયના થોડા સભ્યોમાંના એક છે, તેઓ ભારત સરકાર વતી ૪ જુલાઈના તેહરાનમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગયા અઠવાડિયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા અંતિમ સંસ્કાર કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. જ્યારે ભારત તરફથી ભાગીદારીના સ્તર અંગે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે પીએમ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

ચીન, રશિયા, પાકિસ્તાન અને કતારના નેતાઓને પણ ઈરાન દ્વારા અંતિમ સંસ્કાર કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે કહ્યું છે કે અંતિમ સંસ્કારમાં એક સત્તાવાર પ્રતિનિધિમંડળ હાજરી આપશે.

ખામેનીના મૃત્યુ પછી અંતિમ સંસ્કારની તારીખમાં અનેક વખત ફેરફાર કર્યા પછી, ઈરાની અધિકારીઓએ જૂનમાં ખામેનીના દફન અને અંતિમસંસ્કાર સમારોહની વિગતો જાહેર કરી હતી. 

ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેમને ૯ જુલાઈના રોજ ઇમામ રેઝાના દરગાહ પર દફનાવવામાં આવશે, ત્યાર બાદ અનુક્રમે ૬, ૭ અને ૯ જુલાઈના રોજ તેહરાન, કોમ અને મશહદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આયોજકોના નિવેદન મુજબ "બધા ઉમદા અને પ્રિય લોકો, વિશ્વના સ્વતંત્ર લોકો, ઇસ્લામના અનુયાયીઓ અને ઈરાનમાં રસ ધરાવતા લોકોને" આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની ભાગીદારીની અપેક્ષા છે.

૧૯૮૯થી ૨૦૨૬ સુધી દેશનું નેતૃત્વ કરનારા ઈરાનના નેતાના અંતિમ સંસ્કારનું આયોજન મોહરમ દરમિયાન કરવામાં આવ્યું છે, જે શિયા મુસ્લિમ કેલેન્ડરમાં પરંપરાગત શોકનો સમયગાળો છે. 

શરૂઆતમાં તેમના અંતિમ સંસ્કારનું આયોજન ૪ માર્ચે થવાનું હતું, પરંતુ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર યુએસ-ઇઝરાયલ હુમલા સાથે શરૂ થયેલા ઈરાન-યુએસ યુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું.