તિરુવનંતપુરમ: કેરળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ 140 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો. આ સાથે જ રાજ્યમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના એક દાયકાના શાસનનો અંત આવ્યો, હજુ રાજ્યના નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
અહેવાલ મુજબ કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો તિરુવનંતપુરમમાં નવા ચૂંટાયેલા તેના વિધાનસભ્યો, UDFના ઘટક પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે.
અહેવાલ મુજબ કોંગ્રેસ પાર્ટી પેહલા કેરળમાં પોતાના વિધાનસભ્યોનો અભિપ્રાય લેશે, ત્યાર બાદ સાથી પક્ષોના વિધાન સભ્યોના સૂચનો પર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત લોકપ્રિયતા અથવા જાહેર અભિપ્રાયનું મૂલ્યાંકન કરવા માટે લોકો સાથે વાત કરવામાં આવશે.
કેરળના નવા મુખ્ય પ્રધાન પદ માટે કે.સી. વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા અને વી.ડી. સતીસનના નામ ચર્ચામાં છે. મુખ્ય પ્રધાનનું નામ નક્કી થયા બાદ પાર્ટી હાઇકમાન્ડ પહેલા આ ત્રણેય નેતાઓને ફોન પર નિર્ણય અંગે જાણ કરશે. ત્રણેય નેતાઓ મુખ્ય પ્રધાનના નામ અંગે પર સંમત થાય, તો મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.
જો આ નેતાઓ મુખ્યપ્રધાનના નામ પર સહમત ન થાય, તો તેમને દિલ્હી બોલાવવામાં આવશે અને તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો સાથી પક્ષો મુખ્યપ્રધાન પદ અંગે અલગ અલગ મંતવ્યો વ્યક્ત કરે તો પણ તે કોંગ્રેસના નિર્ણયને અસર કરશે નહીં.
આ નેતાનું નામ સૌથી આગળ:
કેરળના આગામી મુખ્ય પ્રધાન પદની રેસમાં કેસી વેણુગોપાલનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે.
પાર્ટીના કાર્યકરો કે સી વેણુગોપાલને કોંગ્રેસની આગેવાની હેઠળના UDF ફ્રન્ટની જીતના 'વાસ્તવિક શિલ્પી' તરીકે રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસ અને તેની યુવા પાંખના કાર્યાલયની બહાર વેણુગોપાલને અને તેમને 'નાયકન', 'હીરો' તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
માકન અને વાસનિકે જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય પાર્ટીના વિધાનસભ્યો, ગઠબંધનના ભાગીદારો અને જનતાના મંતવ્યોના આધારે લેવામાં આવશે.