(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી/અમદાવાદ: સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત યુનિટના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવાના નિર્ણયને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ મામલે કેન્દ્રનો જવાબ માંગ્યો છે અને આ અરજીને સોશિયલ મીડિયા કન્ટેન્ટ બ્લોક કરવા સંબંધિત અન્ય પેન્ડિંગ પિટિશન સાથે જોડી દીધી છે.
'આપ' દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પૂર્વ સૂચના આપ્યા વિના બ્લોક કરવાની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.
અદાલતમાં 'આપ' તરફથી દલીલ કરવામાં આવી હતી કે આઈટી એક્ટની કલમ 79(3)(b) નો ઉપયોગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવા માટેના સ્ત્રોત તરીકે કરી શકાય નહીં.
આ જોગવાઈ માત્ર મધ્યસ્થીઓને મળતા 'સેફ હાર્બર' રક્ષણ સાથે સંબંધિત છે અને તે સત્તાવાળાઓને બ્લોક કરવાની દિશા નિર્દેશો જાહેર કરવાની સત્તા આપતી હોવાની દલીલ કરી હતી.
નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા 25 એપ્રિલે 'આપ ગુજરાત' નામના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે મુદ્દે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો.