Sun May 03 2026

Logo

"પંડિતો વિના કાશ્મીર અધૂરું, તેમનું પલાયન  સૌથી મોટું નુકસાન": કાશ્મીરના પૂર્વ CMનું નિવેદન

2026-05-03 09:59:00
Author: Devayat Khatana
Article Image

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીર ખીણના જૂના સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂકતા કાશ્મીરી પંડિતોને પરત ફરવા માટે ભાવુક અપીલ કરી હતી. પ્રખ્યાત કાશ્મીરી પંડિત ડૉ. સુશીલ રાજદાનના પુસ્તક વિમોચન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીર તમામ સમુદાયોનું છે અને પંડિતો વિના તે અધૂરું છે. 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોનું પલાયન આ ક્ષેત્ર માટે સૌથી મોટું નુકસાન હતું તેમ જણાવતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે કાશ્મીર ફરી એકવાર તેના જૂના ગૌરવ અને પરસ્પર ભાઈચારા સાથે ધબકતું થશે.

તેમણે  વધુમાં ઉમેર્યું હતું કે, "હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે જે લોકો અહીંથી ચાલ્યા ગયા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ફરી એકવાર ખુશહાલીથી રહે. આપણે ઘણું ગુમાવ્યું છે, પરંતુ કાશ્મીર હિન્દુ, મુસ્લિમ અને શીખ તમામનું છે અને એ જ આ જગ્યાની અસલ ઓળખ છે. ઉલ્લેખનીય છે કે, 1990માં આતંકવાદની શરૂઆતને કારણે લગભગ 57,000 પરિવારોએ કાશ્મીર ખીણ છોડીને જમ્મુ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આશરો લેવો પડ્યો હતો, જેમાં મોટાભાગના કાશ્મીરી પંડિતો હતા.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં વધતા નશાના કારોબાર સામે લાલ આંખ કરી છે. તેમણે નશીલી દવાઓના વેપારને સીધો આતંકવાદ સાથે જોડતા તેને યુવાનો માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. કેન્દ્ર સરકારના  'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત એલજી સિન્હાએ 11 એપ્રિલથી એક વિશેષ "3-P" વ્યૂહરચના શરૂ કરી છે. આ વ્યૂહરચના હેઠળ ડ્રગ સપ્લાય ચેઈન અને નાર્કો-ટેરર નેટવર્કને ખતમ કરવા, શિક્ષણ દ્વારા જનજાગૃતિ ફેલાવવા અને નશાના શિકાર બનેલા યુવાનોનું પુનર્વસન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઉપરાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં નશાના પડકાર પાછળ એક ઊંડી વ્યૂહાત્મક સાજિશ રહેલી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને બરબાદ કરવાનો અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ અભિયાન હવે માત્ર સરકારી નીતિ ન રહેતા એક 'જન આંદોલન' બની ગયું છે.