કંડલાઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ) ફરી એકવાર દાણચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે વિવાદના વમળમાં સપડાયું છે. કાસેઝ સ્થિત એક વેરહાઉસ પરિસરમાંથી કોઈપણ પ્રકારના માન્ય આયાતી દસ્તાવેજો કે બિલ ઓફ એન્ટ્રી વગર સંગ્રહાયેલો શંકાસ્પદ સોપારીનો મોટો જથ્થો ઝડપાતાં વહીવટી તંત્ર અને કસ્ટમ વિભાગ હરકતમાં આવ્યું છે. આ સમગ્ર રેકેટ અંગે વડાપ્રધાન કાર્યાલય , એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ સહિત વાણિજ્ય મંત્રાલય સુધી લેખિત ઇ-મેઇલ મારફતે વિધિવત ફરિયાદ નોંધાવી તાત્કાલિક સીલિંગ અને તપાસની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાસેઝમાં વેરહાઉસિંગના ઓઠા હેઠળ આયાતી માલનું બિનઅધિકૃત ડાયવર્ઝન કરી સોપારીની ગેરકાયદે દાણચોરી આચરવામાં આવી રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. ઉચ્ચ સ્તરે કરાયેલી રજૂઆતમાં એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે, સંબંધિત યુનિટ કાયદાકીય છટકબારીઓનો ગેરલાભ ઉઠાવી આયાતી માલ-સામાનને સ્થાનિક બજારમાં ઘુસાડવાની પદ્ધતિસરની ગેરરીતિ આચરી રહ્યું છે. આ કૌભાંડને સ્થાનિક વગદારો ઉપરાંત કસ્ટમ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનું છૂપું સંરક્ષણ અને આશીર્વાદ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.
ફરિયાદમાં સેઝ રૂલ્સ ૨૦૦૬ તેમજ કસ્ટમ્સ એક્ટ હેઠળ આ ચોક્કસ કાર્ગો રાખવા માટે યુનિટ પાસે કાયદેસરનો ‘લેટર ઓફ એપ્રુવલ’ છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરવા અનુરોધ કરાયો છે. જો પરવાનગી ન હોય તો તાત્કાલિક અસરથી સંબંધિત પેઢીના એમઓયુ રદ અથવા સ્થગિત કરી કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારવાની માંગ કરાઈ છે.
આ વિવાદમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા કસ્ટમ વિભાગના એક પૂર્વ કર્મચારીની ભૂમિકા ‘માસ્ટર માઇન્ડ’ તરીકે હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ કર્મચારીને અગાઉ સોપારીની દાણચોરીના આરોપોના કારણે ડેપ્યુટેશન મુદત પૂર્ણ થાય તે પૂર્વે જ મૂળ વિભાગમાં પરત ધકેલી દેવાયો હતો. હાલ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરી કાયદાકીય કાર્યવાહીથી બચવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાથી, ડીઆરઆઈ અને સીબીઆઈ દ્વારા વેરહાઉસના સીસીટીવી ફૂટેજ, ગેટ રજિસ્ટર તથા વાહનોની આવક-જાવકની તપાસ કરી સોપારીના વાસ્તવિક માલિકો સામે કસ્ટમ એક્ટ હેઠળ કડક કાનૂની સકંજો કસવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.
(ઉત્સવ વૈદ્ય)