Tue Apr 21 2026

Logo

બેવફા સોંગ ક્વીન કાજલ મહેરિયાએ અલ્પેશ સાથેના સંબંધો પરથી પડદો ઉંચક્યો, વીડિયો પોસ્ટ કરીને કહી આ વાત

2026-04-21 08:58:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ   બેવફા સોંગ ક્વીન કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને લઈ તે ચર્ચામાં છે. આ અંગે કાજલ મહેરિયાએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો હતો. 

વીડિયોમાં શું કહ્યું કાજલ મહેરિયાએ

કાજલ મહેરિયાએ વીડિયો જાહેર કરીને કહ્યું, જય હિંદ. જય ભીમ, જય વિહત મા. હુ લોકગાયિકા કાજલ મહેરિયા ઘણા સમયથી મારા પારિવારિક કારણોસર ચર્ચાનો મુદ્દો છું. મારા ઘરની વાત ઘરમાં જ રહે તે માટે તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નહોતી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય તેવું મને લાગે છે. આજે વીડિયોના માધ્યમથી જણાવું છું કે, ગત તા. 10-10-2025ના રોજ મારી મરજીથી ભારતીય સંવિધાન પ્રમાણે પુખ્ત વયે અલ્પેશ જોડો લગ્ન કર્યા હતા. ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરેલી, પરંતુ તેમનો રાજીપો ન હોવાથી મેં મારું ભવિષ્ય, મારી જિંદગીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય મારી જાતે લીધો છે. આ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો જવાબ આ જ રહેશે. અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું આ મામલે કોઈ સમાજને, વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. 

હું સનાતની છું અને સનાતની જ રહીશઃ કાજલ મહેરિયા

આ ઉપરાંત વીડિયોમાં કાજલ મહેરિયાએ કહ્યું, હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગુ છું. અને એક ખાસ વાત હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી એટલે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહીશ તેનું કારણ હું સનાતની છું. મારા પરિવાર દ્વારા મારી અને અલ્પેશ પર જે આક્ષેપો નાંખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની તેમજ મારા સાસરી શેરથામાં જઈને જે કંઈ કર્યું તે માટે વીડિયો દ્વારા જણાવું છું. આ પછી મારે આવી કોઈ ફાલતું વાતોનો જવાબ આપવો પડે તે હું જરૂરી નથી માનતી. આજ સુધી મેં મારા પરિવારનું અને લોકોનું જ વિચાર્યું છે પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈપણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

કાજલ મહેરિયાની માતાએ શું કહ્યું

કાજલ મહેરિયાની માતા શારદાબેને જણાવ્યું કે તેઓ સમાજના લોકો અને સગા-સંબંધો સાથે શેરથા ગામે દીકરીને પરત લેવા ગયા હતા, પરંતુ ત્યાં તેમને ઉશ્કેરીને કાઢી મૂકવામાં આવ્યા હતા.  તેમણે આક્ષેપ કર્યો છે કે અલ્પેશનો પરિવાર પૈસા માટે આ બધું કરી રહ્યો છે. તેમને ખબર નથી કે આ બધું કેવી રીતે બન્યું. તેમણે દલિત સમાજ અને અન્ય તમામ લોકોને ગમે તે રીતે આ મામલે રસ્તો કાઢી આપે અને તેમની દીકરીને પરત અપાવે તેવી અપીલ કરી હતી.

અલ્પેશના માતાએ શું કહ્યું

કાજલ મહેરિયાએ જેની સાથે લગ્ન કર્યા છે તે યુવક અલ્પેશ ઠાકોરના માતા તારાબેને જણાવ્યું કે, કાજલના પરિવાર તરફથી બે ગાડીઓ ભરીને માણસો આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો કાજલ આવવા માંગતી હોય તો લઈ જાઓ, અમે અમારા દીકરાને સમજાવી લઈશું. પરંતુ કાજલ પોતે જ પાછા જવા તૈયાર નથી.

શું છે મામલો

બેવફા સોંગ ક્વીન તરીકે ઓળખાતી કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી હતી.  સંદીપ મહેરિયાએ પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતના સિંગર કાજલબેન મહેરિયાએ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. સમાજ કે પરિવારને જાણ નથી. જેથી આ સમાજ તથા 18 આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી. કાજલ મહેરિયાના પરિવારનો દાવો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં સામાજિક મર્યાદાઓનો ભંગ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને કારણે સમાજના અગ્રણીઓમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.   

કોણ છે કાજલ મહેરિયા

કાજલ મહેરિયા ગુજરાતની  લોકપ્રિય ગાયિકા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો એક વિશાળ ચાહક વર્ગ છે, જે તેમની ગાયકીને ખૂબ જ પસંદ કરે છે. વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. સંગીત ક્ષેત્રે તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને ગુજરાતી સંગીત જગતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાજલ મહેરિયા તેમના સુરીલા અવાજ અને વિવિધ પ્રકારના ગીતો માટે જાણીતા છે. નવરાત્રી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમના ગરબાની ભારે ધૂમ જોવા મળે છે. આ ઉપરાત સેડ સોંગ અને દર્દભર્યા ગીતો માટે પણ જાણીતી છે, જેથી તેને બેવફા સોંગ ક્વીન પણ કેટલાક લોકો કહે છે. તેમના ગીતો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને મિલિયનોમાં વ્યૂઝ મેળવે છે.