જૂનાગઢઃ માંગરોળ પંથકમાં વાહન ચાલકો દ્વારા નિયમોના ભંગ સામે ટ્રાફિક અને સુરક્ષા વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મક્તુપુર ચેક પોસ્ટ ખાતે માંગરોળ મરીન પોલીસ તેમજ આર.ટી.ઓ.ના અધિકારીઓ વચ્ચે ઉત્તમ સંકલન સાધીને એક ખાસ ટ્રાફિક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ ડ્રાઇવ દરમિયાન વાહનોમાં કરવામાં આવતા ગેરકાયદેસર અને જોખમી ફેરફારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અનેક વાહનચાલકો દ્વારા પોતાના વાહનોમાં નિયમો વિરુદ્ધ જઈને અનધિકૃત હાઈ બીમ લેમ્પ અને ઉચ્ચ તીવ્રતા વાળા સફેદ એલ.ઈ.ડી. હેડ લેમ્પ લગાવવામાં આવ્યા હતા. આ પ્રકારના હાઈ-ઇન્ટેન્સિટી લેમ્પ સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં અંજવાળું નાખતા હોવાથી ગંભીર અકસ્માતો સર્જાવાની સંભાવના રહે છે, જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ સખત પગલું ભરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરી એલ.ઈ.ડી. અને હાઈ બીમ લાઈટોનો ઉપયોગ કરતા વાહનોના ચાલકો વિરુદ્ધ ધોરણસરની લાલ આંખ કરવામાં આવી હતી. આ સંયુક્ત ઝુંબેશના ભાગરૂપે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ ૨૨ વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરીને કુલ રૂ. ૩૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસ અને આર.ટી.ઓ. ની આ પ્રકારની આક્રમક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા નિયમ વિરુદ્ધના ફેરફારો કરનાર અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે સખત કાર્યવાહીનો દોર ચાલુ રહેશે તેમ જણાવાયું હતું.