(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ-૨૦૨૬ની ઋતુમાં વાવેતર માટે "ગીર સાવજ" મગફળીના બિયારણના વેચાણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા મગફળીની વિવિધ જાતો જેવી કે જીજેજી-32, જીજી-23, જીજી-35 અને જીજી-39નું સર્ટીફાઈડ અને ટ્રુથફુલ બિયારણ ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોને કોમ્પ્યુટરાઈઝ રેન્ડમાઈઝેશન પદ્ધતિથી પસંદગી કર્યા બાદ આપવામાં આવશે તેમ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બિયારણના ભાવની વાત કરીએ તો, મગફળીના સર્ટીફાઈડ બિયારણની ૩૦ કિલોની બેગનો મૂળ ભાવ રૂ. ૩૩૦૦ છે, જે સબસિડી બાદ ખેડૂતોને રૂ. ૨૧૦૦માં મળશે. જ્યારે ટ્રુથફૂલ બિયારણની ૩૦ કિલોની બેગ રૂ. ૨૧૦૦ના ભાવે સબસિડી વિના ઉપલબ્ધ થશે. પસંદગી પામેલા ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા બિયારણ લેવા આવવાની તારીખ જણાવવામાં આવશે. બિયારણનું વેચાણ યુનિવર્સિટીના ગેટ નંબર-૩ પાસે આવેલા સીડ હબ ગોડાઉન ખાતે સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ અને બપોરે ૩:૦૦ થી ૫:૩૦ દરમિયાન કરવામાં આવશે.
બિયારણ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજીની સહી કરેલી પાવતી સાથે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ)નો છ મહિનાથી વધુ જૂનો ન હોય તેવો અસલ દાખલો અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ રજૂ કરવાની રહેશે. નિયમ મુજબ, મંજૂર થયેલી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ૧૦ બેગ (૩૦૦ કિલો ડોડવા) સુધીનું બિયારણ મળવાપાત્ર થશે તેમ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.