Thu Oct 01 2026

Logo

પિંડદાન કરવાનું મોંઘું પડ્યુંઃ ઝાંસીમાં એક જ પરિવારના ૫ લોકોના ડૂબી જવાથી મોત

2026-09-29 16:54:14
Author: Mumbai Samachar Team
પિંડદાન કરવાનું મોંઘું પડ્યુંઃ ઝાંસીમાં એક જ પરિવારના ૫ લોકોના ડૂબી જવાથી મોત

ઝાંસીઃ અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે ત્યારે યુપીમાં ચોંકાવનારી દુર્ઘટના ઘટી હતી. ઝાંસી જિલ્લાના મઉરાનીપુર થાણા ક્ષેત્રમાં એક દુઃખદ ઘટના બની હતી. રાણીપુર વિસ્તારમાં સુખનઈ નદીમાં ડૂબવાથી એક જ પરિવારના પાંચ લોકો મોતને ભેટ્યા હતા. જાણકારી અનુસાર પરિવાર શ્રાદ્ધ કર્મ બાદ પિંડદાન કરવા માટે નદી કિનારે પહોંચ્યા હતા. દરમિયાન સ્નાન અને પિંડદાનની ક્રિયા વચ્ચે પરિવારના પાંચ લોકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ટીમે બચાવકાર્ય શરૂ કર્યું હતું. 

પિંડદાન માટે નદી પર પહોંચ્યો હતો પરિવાર 

જાણકારી અનુસાર શ્રાદ્ધ કર્મ બાદ પિંડદાન કરવા માટે સુખનઈ નદીના કિનારે પરિવાર પહોંચ્યો હતો. દરમિયાન પરિવારના અમુક સદસ્યો નદીમાં સ્નાન કરવા લાગ્યા હતા. પાંચ લોકો અચાનક ઊંડા પાણીમાં જતા રહેતા આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ પાણીમાં ડૂબી ગયા હતા. દુર્ઘટના બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બાદમાં તપાસ હાથ ધરી હતી. 

દુર્ઘટના અંગેની માહિતી મળતા જ એસડીએમ મનોજ કુમાર, સીઓ મઉરાનીપુર રત્નેશ્વર સિંહ અને પોલીસબળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘણી જહેમત બાદ પાંચેય સભ્યોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં પિતા-પુત્ર પણ સામેલ છે. એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુથી આસપાસના વિસ્તારોમાં ગમગીન વાતાવરણ બન્યું હતું. 

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો મોકલવામાં આવ્યા 

પોલીસે પાંચેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસની ટીમ દુર્ઘટનાની સમગ્ર જાણકારી મેળવી રહી છે. ઘટના બાદ નદી આસપાસ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. વહીવટી પ્રશાસન તરફથી લોકોને નદીમાં જતા પૂર્વે સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી હતી, જ્યારે આ દુર્ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.