Wed Apr 29 2026

Logo

જામનગરમાં જેલમાંથી લડનાર ઉમેદવારોની જીત,ચૂંટણી પરિણામે રાજકીય સમીકરણો બદલ્યા

2026-04-28 21:54:24
Author: Mumbai Samachar Team
Article Image

જામનગરઃ જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. આ પરિણામે સૌને ચોંકાવી દીધા છે. ભાજપનું શાસન વધારે સશક્ત અને મજબૂત થતું દેખાઈ રહ્યું છે.બીજી તરફ મહાનગર પાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનો સફાયો થઈ ગયો છે. જામનગરમાં સમગ્ર ચૂંટણી દરમિયાન વૉર્ડ નં.12 સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. પરિણામ વખતે પણ આ જ વૉર્ડ ચર્ચાંમાં રહ્યો છે. 

કોંગ્રેસના પ્રમુખ જ બેઠક ન બચાવી શક્યા

જામનગરમાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપી-ઉમેદવારોની આ ચૂંટણીમાં જીત થઈ છે. એક ઉમેદવાર કોંગ્રેસમાંથી તો બીજા આમ આદમી પાર્ટીમાંથી છે. આ પરિણામે જામનગરના રાજકારણના સમીકરણ બદલી નાંખ્યા છે. બીજી તરફ વૉર્ડ.1.માં પહેલીવાર એવું થયું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય જીત મળી છે. ચૂંટણીની જાહેરાત બાદ જામનગરમાં કોંગ્રેસે 62 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા હતા. પરિણામ કોંગ્રેસની અપેક્ષા કરતા બાહર આવ્યું છે. અહીં કોંગ્રેસના 60 ઉમેદવારોની હાર થઈ છે. જામનગરમાં કોંગ્રેસ માત્ર બે બેઠક પર જ સફળતા મેળવીને રહી ગઈ છે. કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા પોતાની સુરક્ષિત ગણાતી બેઠક બચાવી શક્યા નથી. ગુજસીટોકના ગુના હેઠળ સજા કાપી રહેલા બે ઉમેદવાર અલ્તાફ ખફી અને અસલમ ખિલજી જેલમાંથી ચૂંટણી લડ્યા હતા. પરિણામમાં બન્નેનો વિજય પણ થયો છે. 

જામનગરમાં બદલી રહ્યા છે રાજકીય સમીકરણ

અલ્તાફ ખફી જે જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમની ગેંગ સામે ચૂંટણી પહેલા જ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.  ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ વિજયી બન્યા છેપૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ જીત્યા છે. અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે 'આપ' માંથી ચૂંટણી લડતા અસલમ ખિલજી પણ જેલમાંથી જીતવામાં સફળ રહ્યા. તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી એ પણ જીત મેળવી છે. આમ જામનગરમાં નાના પાયે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી ગયું છે.  લગભગ 50 ઉમેદવારો સાથે મેદાનમાં ઊતરેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીત મળતા સમીકરણ બદલી રહ્યા છે.  જે નવા રાજકીય વળાંકના સંકેત આગામી સમયમાં આપશે. ભાજપને મળેલા જનસમર્થન બાદ જામનગરના રસ્તા પર વિજય રેલી કાઢવામાં આવી હતી. 

મોટાનેતાઓની હાજરી

સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજેતા ઉમેદવારોએ ડી.જે.ના તાલે મતદારોનો આભાર માન્યો હતો.મોટી સંખ્યામાં લોકો આ રેલી જોવા માટે રસ્તા પર નીકળ્યા હતા. વિજેતા નેતાઓએ પ્રજા સાથે હાથ મિલાવીને અભિવાદન સ્વીકાર્યું હતું. ઉમેદવારોએ પણ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તા, સમર્થકો તથા નાગરિકો માટે રેલી એક મોટા સેલિબ્રેશન સમાન બની ગઈ હતી. સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રીવાબા જાડેજા જાહેરમાં ભેટી પડ્યા હતા અને પરિણામની વધામણી કરી હતી,જોકે જામનગરમાં સમગ્ર પાર્ટી સંચાલન જ ત્રણ મહિલાઓના હાથમાં છે. સાંસદ અને મંત્રી સિવાય પ્રમુખ બીનાબેન કોઠારીની જહેમત પણ રંગ લાવી હતી. 

કટઆઉટ સાથે વિજયોત્સવ

બીજી તરફ જેલમાંથી મળેલી જીતનો જુસ્સો સાતમા આસમાને રહ્યો છે. બીજી તરફ વૉર્ડ નં.12માં જીતના જશ્નમાં ઉમેદવારની જ ગેરહાજરી જોવા મળી હતી. જામનગર શહેરના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, જીતના જશ્નમાં એ ઉમેદવાર જ ન હતા. વૉર્ડ નં.12ના સરઘરમાં કુતુહલ જોવા મળ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેદવારો જીત્યા હતા એ જેલમાં હોવા છતા એમનો ભવ્ય વિજય થયો હતો. આ વિજયોત્સવમાં કટઆઉટ સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું.