Thu Jun 18 2026

Logo

રણજી ટ્રોફીની ઐતિહાસિક ફાઇનલમાં પહોંચેલા ખેલાડીઓ ઈ-રિક્ષામાં બેસીને હૉટેલ પહોંચ્યા!

2026-02-19 16:17:29
Author: Ajay Motiwala
Article Image

કલ્યાણી (પશ્ચિમ બંગાળ): જમ્મુ-કાશ્મીરના ક્રિકેટરોએ બુધવારે અહીં રાજ્યના 67 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વખત રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલમાં પહોંચવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી, પરંતુ આ ખેલાડીઓ સેમિ ફાઇનલ જીત્યા બાદ ઈ-રિક્ષા E-Rickshaw)માં બેસીને હૉટેલ પહોંચ્યા એ ઘટના ચર્ચાસ્પદ થઈ છે.

જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ બેંગાલ સામેની સેમિ ફાઇનલ જીત્યા ત્યાર બાદ ઈ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તેમના એવા એક ખેલાડીની તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે અને સવાલ પૂછાઈ રહ્યો છે કે આટલી મોટી ઉપલબ્ધિ મેળવનાર ખેલાડીઓએ શા માટે આ રીતે ઈ-રિક્ષામાં પ્રવાસ કરવો પડ્યો?

જોકે શુભયન ચક્રબોર્તી નામના પત્રકારે દાવો કર્યો છે કે ઈડન ગાર્ડન્સથી ખેલાડીઓની હૉટેલ માંડ 500 મીટર દૂર છે. આ કિસ્સામાં બીસીસીઆઇની કોઈ ભૂલ નથી, કારણકે દરેક ટીમ માટે ક્રિકેટ બોર્ડ દ્વારા બસ રાખવામાં આવી છે, પણ જો થોડું મોડું થઈ જાય તો ખેલાડી પોતાની મરજીથી ઈ-રિક્ષા બોલાવીને એમાં પ્રવાસ કરી લે છે. ઇશાન કિશન જ્યારે આ મેદાન પર રમવા આવતો હતો ત્યારે તે પણ ઈ-રિક્ષામાં બેસીને હૉટેલ પહોંચી જતો હતો.

બુધવારે જમ્મુ-કાશ્મીરે બેંગાલને સેમિ ફાઇનલમાં છ વિકેટે હરાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરની આ સફળતા પાછળ સૌથી મોટી ભૂમિકા પેસ બોલર ઑકિબ નબીની છે. તેણે આ સેમિ ફાઇનલમાં કુલ નવ વિકેટ લીધી હતી. તેણે બેંગાલના મોહમ્મદ શમીની પ્રથમ દાવના આઠ વિકેટના તરખાટને ઝાંખો પાડી દીધો હતો.