Thu May 28 2026

Logo

ઇસરોને સફળતા મળી, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ક્રેટરો નીચે બરફ હોવાના સંકેત

2026-05-28 16:32:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ઇસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન-2 એ એક મોટી શોધ કરી છે. જેમાં વૈજ્ઞાનિકોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સ્થિત કેટલાક ક્રેટરો(ઉંડા ખાડા) નીચે બરફ હોવાના મજબૂત સંકેતો મળ્યા છે. આ શોધ  ઇસરોના ચંદ્રયાન-2 ઓર્બિટરમાંથી મેળવેલા ડેટા પર આધારિત છે. ઈસરોના મતે  અમુક ક્રેટરો નીચે બરફ હોઈ શકે છે જે હંમેશા અંધારામાં જ રહે છે.

અમદાવાદની પીઆરએલના વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ  હાથ ધરવામાં આવ્યો

અમદાવાદની પીઆરએલના વૈજ્ઞાનિકો દ્વારા આ સમગ્ર  અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્થિત ક્રેટરોનો અભ્યાસ કર્યો હતો. આ એવા પ્રદેશો જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. આ વિસ્તારોને કાયમી છાયાવાળા પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. અહીં તાપમાન માઈનસ 248 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. જેના કારણે બરફ લાંબા સમય સુધી સચવાય રહે છે.

ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડારનો ઉપયોગ કરાયો 

આ અભ્યાસમાં  ચંદ્રયાન-2 ઓર્બિટર પર લગાવેલા ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડાર (DFSAR)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ વિશિષ્ટ રડાર ચંદ્રની સપાટી તેમજ તેની નીચેના સ્તરોનો અભ્યાસ કરવામાં સક્ષમ છે.

તેમજ રડારમાંથી મળેલા સંકેતોનું વિશ્લેષણ કરીને  વૈજ્ઞાનિકોએ ચાર ક્રેટરોને ઓળખ્યા જ્યાં સપાટી નીચે બરફ હોવાની સંભાવના સૌથી વધુ છે.

વૈજ્ઞાનિકોએ એક નવી તકનીકનો ઉપયોગ કર્યો

આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ એક નવી તકનીકનો ઉપયોગ કર્યો જે રડાર સિગ્નલો ખડકોમાંથી ઉદ્ભવી રહ્યા છે કે બરફમાંથી તે નક્કી કરવામાં મદદ કરે છે. આ હાંસલ કરવા માટે, બે પરિમાણો પરિપત્ર ધ્રુવીકરણ ગુણોત્તર (CPR) અને ધ્રુવીકરણની ડિગ્રી (DOP) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.