Sat Sep 05 2026

Logo

ઈઝરાયલે તેહરાનના ઓઈલ સ્ટોરેજ પર હુમલો કર્યો, ઝેરી વરસાદ! ઈરાને વળતો હુમલો કર્યો

Tehran   2026-03-08 14:59:00
Author: Savan Zalariya
ઈઝરાયલે તેહરાનના ઓઈલ સ્ટોરેજ પર હુમલો કર્યો, ઝેરી વરસાદ! ઈરાને વળતો હુમલો કર્યો

તેહરાન: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલો સશસ્ત્ર સંઘર્ષ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અહેવાલ મુજબ આજે ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા એક પેટ્રોલિયમ સ્ટોરેજ પર હુમલો કર્યો હતો, જેને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. બીજી તરફ ઈરાને કુવૈત એરપોર્ટ પર આવેલી ફ્યુઅલ ટેંકને નિશાન બનાવી હતી, જયારે સાઉદી અરેબિયા પર પણ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. 

અહેવાલ મુજબ ઈરાનના તેહરાન અને અલ્બોર્ઝ પ્રાંતમાં આવેલા ચાર પેટ્રોલિયમ સ્ટોરેજ પર ઇઝરાયલ અને યુએસએ મળીને મિસાઈલ હુમલો કર્યો હતો, આ હુમલામાં ઈરાનના ચાર ટેન્કર ડ્રાઇવરો માર્યા ગયા છે.

હુમલા બાદ સ્ટોરેજમાંથી પેટ્રોલિયમ લીક થયું હતું, જે તેહરાનના ગટર વ્યવસ્થામાં ફેલાયું હતું. જેને કારણે તેહરાનના રસ્તાઓ પર આગ ફાટી નીકળી હતી.

ઝેરી વરસાદની શક્યતા:
પેટ્રોલિયમ સ્ટોરેજ પર હુમલાને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, અને કાળા ધુમાડાના ગોટા ઉંચે આકાશ સુધી પહોંચ્યા હતાં, આ ધુમાડો વરસાદી વાદળો સાથે મળી જતાં ઝેરી વરસાદ થયો હતો..
ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી (IRCS) એ તેહરાનના નાગરિકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે, ઝેરી વરસાદને કારણે ત્વચાને નુકશાન થઇ શકે છે અને ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે.

ઈરાને વળતા હુમલા કર્યા:
બીજી તરફ ઈરાને યુએસના મિત્ર દેશ કુવૈત પર હુમલા કર્યા હતાં. ઈરાનની સેનાના જણાવ્યા મુજબ તેમણે કુવૈતમાં અલ-અદિરી એરબેઝને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એરબેઝ પર એક યુએસ હેલિકોપ્ટર રિપેર સેન્ટર, ઓઈલ ટેંક અને કમાન્ડ સેન્ટરનો નષ્ટ કરવામાં આવ્યા.

કુવૈતના ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રજ બજાવતી વખતે તેના બે અધિકારીઓના મોત નીપજ્યા.  

બહેરીને જણાવ્યું કે એક ઈરાની ડ્રોને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો. અગાઉ ઈરાની અધિકારીઓએ કહ્યું કે અમેરિકાએ કેશ્મ ટાપુ પર ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવ્યો છે.

સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકન સૈનિકો જ્યાં રોકાયેલા છે, એ પ્રિન્સ સુલતાન એર બેઝ તરફ જતી ત્રણ બેલિસ્ટિક મિસાઇલો અને દક્ષિણપૂર્વમાં શાયબાહ ઓઈલ સ્ટોરેજ ઉપર 17 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.