નીલા સંઘવી
હાલ એવાં પ્રસંગો, એવી વાતો જાણવા મળી રહી છે જેનાથી દિલ દુ:ખે છે, જીવ ગભરાય છે, કાંઈ ગમતું નથી એવું લાગે છે. બધી નકારાત્મક વાતો, હિંસા, આત્મહત્યાના કિસ્સાઓ સાંભળીને માનવતા પર પ્રશ્નાર્થ થાય છે. એમાંયે એક સ્ત્રી જયારે પોતાના જ પરિવારજનોને, વૃદ્ધોને હેરાન કરે ત્યારે આજની પેઢીના સંસ્કારો વિશે નવેસરથી વિચારવાની ઇચ્છા થાય છે. ના, મારું કહેવું એમ નથી કે આજની પેઢીના તમામ લોકો એવાં છે, પણ ઘણા બધા લોકો તે એવા છે જ, એનો પુરાવો ટી.વી. કે અખબારોમાં અપાતા સમાચારમાં પ્રતિબિંબિત થાય છે જ.
આજકાલ મહિલાઓ દ્વારા ગુના કરવાનું પ્રમાણ વધી ગયું છે. હા, એ ખરું કે એ મહિલાઓએ બહુ સહન કર્યું છે. પતિ કે સાસરિયા સામે ચૂં કે ચાં કરવાની હિંમત સ્ત્રીઓમાં ન હતી. દહેજના નામે પણ મહિલાએ બહુ જ અત્યાચાર સહન કર્યાં છે, પણ શિક્ષણ વધતાં મહિલાઓ પગભર થઈ અને તેનામાં થોડી થોડી હિંમત આવતી ગઈ અને અન્યાય સામે લડત આપવાનું તે શીખી.
એમાં કાંઈ ખોટું ન હતું. અન્યાય સાંખી ન લેવાય. પણ પછી ધીરે ધીરે સ્ત્રીઓ જબરી થવા લાગી. બહુ દબાયેલી સ્ત્રીને પાંખ આવતાં સ્પ્રિંગની માફક ઊછળી અને અન્યાય સહેનાર નારી પોતે અન્યાય કરતી થઈ ગઈ અને આજે તો જુઓ સાંપ્રત, સમૃદ્ધ પરિવારની સોનમ અને સિયા જેવી યુવતીઓ તો હત્યા કરવા સુધી પહોંચી ગઈ.
આજે એવાં વૃદ્ધ દંપતીની વાત કરવી છે જે પોતાની પુત્રવધૂથી ત્રસ્ત છે. જીતુભાઈ અને દિનાબહેનને એક માત્ર સંતાન એટલે કરણ. ખાધે પીધે સુખી પરિવાર. જીતુભાઈ પોતાનો વ્યવસાય કરતા અને દિનાબહેન ગૃહિણી. પોતાના પતિ અને પુત્રને બરાબર સાચવે સાથે સાથે ઠાકોરજીની પૂજા અર્ચના કરે. પતિ-પુત્રને ગરમાગરમ રસોઈ જમાડે. પૌષ્ટિક અને અવનવી વાનગીઓ બનાવીને ખવડાવે. હસતો-ખેલતો નાનકડો પરિવાર. કરણ ગ્રૅજ્યુએશન થતાં સુધીમાં સિયા સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી. ગ્રૅજ્યુએશન પછી કરણ પિતા સાથે તેમના વ્યવસાયમાં જોડાઈ ગયો.
સિયા પણ કુમુદબહેન અને રમેશભાઈની એકની એક પુત્રી. સિયા બહુ જ લાડકોડમાં ઉછરી. ગ્રેજ્યુએશન પછી સિયાને એના પપ્પાએ પોતાની સાથે ઑફિસ જૉઇન કરવાનું કહ્યું ત્યારે સિયાએ કહ્યું, `ના પપ્પા, ઑફિસ નહીં આવું. આટલો વખત ભણતાં ભણતાં થાકી ગઈ છું. હવે મારે આરામ કરવો છે. મિત્ર સાથે હરવું-ફરવું છે, પિક્ચર-પિક્નિક-પાર્ટી કરવી છે તેથી મને ઑફિસની જવાબદારી લેવામાં રસ નથી.'
`ઓ.કે. મારી દીકરી, પણ ભણતાં ભણતાં તે આ બધી મોજમજા કરી જ છે. પણ કાંઈ વાંધો નહીં તને જે ગમે એ કરવાની તને છૂટ છે...'
આમ સિયા તો મોજમસ્તીમાં લીન રહેતી. કરણ અને સિયા બંનેના ઘરમાં લગ્નની વાતો થવા માંડી. બંને પરિવાર મળ્યા અને લગ્ન ધામધૂમથી થઈ ગયાં.
કરણ-સિયા હનીમૂન પર જઈને આવ્યાં અને કરણ કામે વળગી ગયો. તેમની રૂટિન લાઇફ શરૂ થઈ. દિનાબહેન સવારે વહેલા ઊઠીને કરણ અને જીતુભાઈ માટે ચા-નાસ્તો બનાવે, પિતા-પુત્ર બન્ને સવારના 10 વાગ્યે તો ટિફિન લઈને ઘરની બહાર નીકળી ગયા હોય. એ સમયે સિયા તો હજુ ઊંઘતી હોય. કરણને ખરાબ લાગતું. તે સમજતો હતો કે સિયાએ મમ્મીને મદદ કરવી જોઈએ. તેણે બે-ત્રણ વાર સિયાને સમજાવવાની કોશિશ કરી તો સિયા ભડકી, `એ બધું મારાથી નહીં થાય, મેં કદી કામ કર્યું નથી. હું નોકરાણી નથી.' કરણ કંઈક વધારે બોલવા ગયો તો રડતી રડતી બહાર આવીને દીનાબહેનને કહેવા લાગી, `જુઓ, તમારો દીકરો મને મારે છે.'
કરણ તો અવાક થઈ ગયો. એ તો મોટા અવાજે બોલ્યો પણ નથી, મારવાની વાત ક્યાંથી આવી? દીનાબહેને કરણની સામે જોયું. કરણે કહ્યું, `મમ્મી, તને લાગે છે કે હું સિયા પર હાથ ઉપાડી શકું?' એટલે એમણે કહ્યું, `સિયા, કરણ એવું કરી જ ન શકે.'
`એટલે તમે પણ એનું જ ઉપરાણું લ્યો છો. તમને પણ હું જ ખરાબ અને ખોટી લાગું છું.'
`મેં તને એવું કાંઈ નથી કહ્યું, બેટા.'
`તમે જે બોલો છો એનો અર્થ એવો જ થાય. લો, મારો તમે મને' કહીને દીનાબહેનના હાથ પકડીને તેમના હાથથી પોતાના ગાલ પર લાફા મારવા લાગી. દીનાબહેન ડરી ગયાં.
`અરે, અરે આ શું કરે છે?'
`તમે મને મારો છો અને પાછા પૂછો છો કે આ શું કરે છે.'
દીનાબહેન અને કરણ તો આઘાત પામી ગયાં. કોઈ આવું કઈ રીતે કરી શકે? પછી તો આ રોજનું થઈ ગયું. સિયા બધે એમ જ કહેતી ફરતી કે એનો પતિ અને સાસુ એને મારે છે. કરણે જીતુભાઈ સાથે આ બધી વાતની ચર્ચા કરતા કહ્યું, `પપ્પા હવે આનો કાંઈક રસ્તો કરવો પડશે.'
`એકવાર હું સિયા સાથે વાત કરી જોઉં' જીતુભાઈએ કહ્યું, એ દિવસે રાત્રે જમીને બધાં બેઠાં હતા ત્યાં જીતુભાઈએ સિયાને કહ્યું, `આવ, બેસ બેટા. કેમ છે તું.'
`ઠીક છું,' સિયાએ કહ્યું.
`જો બેટા, તું બહુ ડાહી દીકરી છે. તારાં લગ્ન થઈ ગયાં છે. તો તારા પતિ પ્રત્યે, પરિવાર પ્રત્યે તારી અમુક ફરજ છે. તે તારે નિભાવવી જોઈએ અને તું બધાને કહેતી ફરે છે કે પતિ અને સાસુ તને મારે છે. આવી ખોટી વાતો તું શા માટે કરે છે? હું તો શું કોઈ આ વાત સાચી માનવાનું નથી. ઘરમાં શાંતિથી રહે અને મજા કર. આવું ખોટું નહીં બોલવાનું.'
`મને હતું કે આ ઘરમાં તમે જ એક સારા છો, પણ તમેય આ લોકો જેવા જ નીકળ્યા. તમે મને આવું બધું કહો છો ને હવે જોજો હું આપણા સાતમા માળની ગૅલેરીમાંથી નીચે પડતું મૂકીશ અને ચિઠ્ઠી લખતી જઈશ કે તમારા ત્રણેયના ત્રાસથી મેં આત્મહત્યા કરી છે.'
જીતુભાઈને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ છોકરી ખરી છે. કેટલું ખોટું બોલે છે. હવે આને ઘરમાં ન રખાય. માતા-પિતા-પુત્રે મસલત કરી અને અંતે સિયાનાં માતા-પિતાને વાત કરીને તેને તેના પિયર મોકલી આપીને છુટકારાનો દમ ખેંચ્યો. ત્રણેયના મનમાં એક જ સવાલ હતો, કાઈ આટલું ખોટું કેવી રીતે બોલી શકે?