Fri Apr 24 2026

Logo

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની કેવી છે હાલત? ચહેરા અને હોઠ પર દાઝવાના નિશાન

Tehran   2026-04-24 10:22:00
Author: MayurKumar Patel
Article Image

તેહરાનઃ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી કે તેમનો અવાજ પણ સંભળાયો નથી. અમેરિકા સાથે યુદ્ધ દરમિયાન તેમના મોટા ભાગના મેસેજ લેખિતમાં આવી રહ્યા છે. અનેક રિપોર્ટ અનુસાર તેનું કારણે 28 ફેબ્રુઆરીએ યુદ્ધના પ્રથમ દિવસે જ થયેલી ગંભીર ઈજા છે.

ઈરાને હજુ સુધી તેના સ્વાસ્થ્ય અને ઈજાની ગંભીરતા વિશે જાણકારી નથી આપી. એક રિપોર્ટ અનુસાર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખતાં 4 વરિષ્ઠ ઈરાની અધિકારીઓ મુજબ, તેઓ ભલે ગંભીર રીતે ઘાયલ થયા હોય પરંતુ માનસિક રીતે મજબૂત અને સક્રિય છે.

રિપોર્ટ પ્રમાણે ઈરાનના નવા સુપ્રીમ લીડરને કૃત્રિમ પગની જરૂરી છે. કારણે તેના એક પગ પર ત્રણ વખત ઓપરેશન થયું છે. ઉપરાંત એક હાથનું પણ ઓપરેશન થયું છે. તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે, તેમના ચહેરા અને હોઠ પર ગંભીર દાઝવાના નિશાન છે. જેના કારણે બોલવામાં તકલીફ થઈ રહી છે. પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર પડશે.

ક્યાં રહે છ મોજતબા

મોજતબા ખામેનેઈ ક્યાં રહે છે તે જાહેર ન થાય તે માટે ત્યાં સુધીની પહોંચ ઘણી મર્યાદિત કરી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોરના વરિષ્ઠ કમાન્ડર અને ઈરાની સરકારના વરિષ્ઠ અધિકાર તેમને મળવા નથી જતા. કારણકે  ઈઝરાયલ દ્વારા તેમના ઠેકાણાની ભાળ મેળવીને હુમલો કરવામાં આવી શકે તેવો ડર પણ છે.

રિપોર્ટ મુજબ, ખામેનેઈ તેમના પ્રથમ જાહેર સંબોધનમાં નબળા દેખાવાના ડરથી કેમેરા કે માઈક્રોફોનનો ઉપયોગ કર્યો હતો. તેમને મેસેજ લખીને મોકલવામાં આવે છે અને ભરોસાપાત્ર સંદેશાવાહક દ્વારા તેમના સુધી પહોંચાડવામાં આવે છે.

કોણ છે મોજતબા ખામેનેઈ

અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનાં મૃત્યુ પછી, તેમના દીકરા મોજતબાને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 88 સભ્યોની ધાર્મિક સંસ્થા એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સની ઉપર દેશના નવા સર્વોચ્ચ નેતા ચૂંટવાની જવાબદારી હતી. તેમણે મોજતબાના નામ ઉપર મંજૂરીની મહોર મારી હતી. 

8 સપ્ટેમ્બર 1969ના રોજ ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર મશહદમાં જન્મેલા મોજતબા ખામેનેઈ અલી ખામેનેઈનાં છ બાળકોમાં બીજા નંબરના પુત્ર છે. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ તેહરાનની ધાર્મિક અલવી સ્કૂલમાં લીધું હતું. ઈરાની મીડિયા અનુસાર, 17 વર્ષની ઉંમરે, મોજતબાએ ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઘણા ટૂંકા ગાળા માટે લશ્કરમાં પણ સેવા આપી હતી.

2005ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોજતબાનું નામ સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકપ્રિય કટ્ટરપંથી નેતા મહમૂદ અહમદીનેજાદનો વિજય થયો હતો. સુધારાવાદી ઉમેદવાર મહેદી કરૌબીએ ખામેનેઈને લખેલા એક ખુલ્લા પત્રમાં, મોજતબા પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર અને બસીજનાં તત્ત્વો દ્વારા મતદાનમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો, જેમણે અહમદીનેજાદને જીતવામાં મદદ કરવા માટે ધાર્મિક જૂથો સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો. ચાર વર્ષ પછી ફરીથી, મોજતબાએ આવા જ આરોપોનો સામનો કર્યો હતો અને અહમદીનેજાદની ફરીથી ચૂંટણીથી દેશભરમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો શરૂ થયાં. એ ચળવળ 'ગ્રીન મૂવમેન્ટ' તરીકે ઓળખાઈ હતી.