Fri May 01 2026

Logo

ઈરાનમાં મોસાદના જાસૂસને ફાંસી: ઈઝરાયલ સાથેના પ્રોક્સી વોર વચ્ચે તેહરાનની મોટી કાર્યવાહી...

Tehran   2026-03-18 16:03:17
Author: Tejas rajpara
Article Image

તહેરાન: મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું 'પ્રોક્સી વોર' હવે વધુ આક્રમક બન્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના સંઘર્ષની વચ્ચે ઈરાને પોતાના દેશની આંતરિક સુરક્ષાને વધુ કડક બનાવતા મોટો નિર્ણય લીધો છે. ઈરાની ન્યાયતંત્રએ ઈઝરાયલની ગુપ્તચર એજન્સી 'મોસાદ' માટે જાસૂસી કરવાના ગુનામાં એક વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી છે. આ ઘટના દર્શાવે છે કે ઈરાન હવે તેના લશ્કરી ઠેકાણાઓ અને સંવેદનશીલ માહિતી લીક કરનારાઓ સામે જરાય નરમ વલણ રાખવા માંગતું નથી.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે આજે કુરોશ કીવાની નામના વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. કીવાની પર આરોપ હતો કે તેણે ઈરાનના અત્યંત સંવેદનશીલ સ્થળોની તસવીરો અને વ્યૂહાત્મક માહિતી ઈઝરાયલની એજન્સી મોસાદને પૂરી પાડી હતી. આ અગાઉ જાન્યુઆરીમાં પણ હામિદરેઝા નામના વ્યક્તિને પણ આ જ ગુનામાં ફાંસી અપાઈ હતી. યુદ્ધના માહોલમાં ઈરાન હવે જાસૂસીના નેટવર્કને તોડવા માટે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે.

ઈઝરાયલની તાકાત તેની ગુપ્તચર એજન્સી મોસાદમાં રહેલી છે, જે દુનિયાની સૌથી ઘાતક એજન્સી માનવામાં આવે છે. મોસાદ માત્ર સરહદ પર જ નહીં, પરંતુ દુશ્મન દેશોના ગઢમાં ઘૂસીને ઓપરેશન પાર પાડવામાં માહિર છે. તાજેતરમાં જ 17 માર્ચના રોજ ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીની હત્યા કરવામાં આવી હતી, જે ઈરાન માટે મોટો આંચકો છે. આ હુમલા પાછળ પણ તેહરાનના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતી હોવાનું માનવામાં આવે છે, જે મોસાદની પકડ દર્શાવે છે.

ઈરાની મીડિયા પ્રમાણે ઈઝરાયલને તેના મોટા ઓપરેશનો માટે ઈરાનની અંદરથી જ સહાય મળે છે. લારીજાનીની હત્યા જેવી ઘટનાઓ સાબિત કરે છે કે તેહરાનની અંદર એવા લોકો સક્રિય છે જે ઈઝરાયલને પળેપળની વિગત આપે છે. આ જ કારણ છે કે ઈરાન હવે જાસૂસોને ઓળખીને તેમને જાહેરમાં ફાંસી આપી રહ્યું છે જેથી અન્ય લોકોમાં ડર પેદા કરી શકાય. દાયકાઓ જૂના આ જંગમાં હવે હથિયારો કરતાં માહિતીનું યુદ્ધ વધુ જોર પકડી રહ્યું છે.