સંજય છેલ
આજે સવારની ટપાલમાં મને એક પત્ર મળ્યો. બસ, એ કાગળે મને આખો દિવસ અહંકારમાં રાચતો કરી મૂક્યો કે ‘અરે વાહ! હું તો અતિ પવિત્ર માણસ છું, કારણ કે સાહિત્યનું કામ ખૂબ પવિત્ર કામ કહેવાયને?’ પછી દિવસભર મને જે કોઇ મળ્યું એને મેં તુચ્છ પ્રાણી ગણ્યો. હું દરેકને અપવિત્ર માનીને એનાથી જાણે અભડાઇ ના જાઉં એમ ખુદને બચાવતો રહ્યો.
શું છે કે ‘પવિત્રતા’ એવી તે નાજુક ને નબળી ચીજ છે કે એ દરેકથી બચાવવા માટે સતત સાવધ રહે છે. ‘હું પવિત્ર છું’ એવી ભાવના જ માણસને એવો મદમસ્ત બનાવી દે કે એ સાંઢની જેમ સામાન્ય માણસોને શીંગડાં મારે છે કે નોર્મલ લોકોને અહીં તહીં ઉલાળી મારે. કહેવાતો પવિત્ર સાહિત્યકાર, અત્તરની એક એવી શીશી છે, જે ગંદી ગટરના કિનારે આવેલી કોઇ દુકાનમાં જાણે મૂકેલી ના હોય. એ પોતાની પવિત્રતાને બંધ શીશીમાં જ પુરાયેલ રાખે.
હાં, તો થયેલું એવું કે પેલો પત્ર, જાણીતી ‘સાહિત્યની સંસ્થા’માંથી આવેલો. હું એ લાખોના કારોબારવાળી ‘સાહિત્યિક સંસ્થા’ની કારોબારી સમિતિનો જબરદસ્તી બનાવાયેલો મેમ્બર છું. જોકે આ સંસ્થા, આપણને તો એની મીટિંગોમાં હાજરી આપવા આવવાજવાનાં પૈસા પણ નથી આપતી કારણ કે પૈસા તો સાહિત્યનું ‘પવિત્ર કામ’ કરાનારા પવિત્ર હોદ્દેદારો દ્વારા જ ખવાઈ જાય છેને? એ પત્રમાં મંત્રીશ્રીએ લખેલું: ‘આપણાં સાહિત્ય ભવનની સામે એક સિનેમાઘર બની જઇ રહ્યું છે. સિનેમા બનવાથી સાહિત્ય ભવનની પવિત્રતા ને શાંતિનો ભંગ થશે. સાહિત્યનું પવિત્ર સંસ્કારી વાતાવરણ દૂષિત થશે. અમે મુખ્યમંત્રીને સિનેમાઘર બનતું રોકવા એક અરજી મોકલીએ છીએં, તમેય એમાં સહી કરી આપજો.’
પત્ર વાંચીને મને થયું ‘અરે હાં, સાહિત્ય તો પવિત્ર કહેવાય ને અમે સાહિત્યકારો તો બધાં પવિત્ર આત્માઓ છીએં!’
જોકે ત્યારે ઘડીભર મારા ખુરાફાતી દિમાગમાં શંકા જન્મી કે એવ.યે હોય કે કોઈ શેઠિયો એજ સિનેમાઘરની જગ્યાએ દુકાન ખોલવા માગતો હોય ને પવિત્ર સાહિત્યસંસ્થાનાં, પવિત્ર મંત્રીને પૈસા ખવડાવ્યા હોય કે: ‘સાહેબ, કંઇ કરો ને ત્યાં સિનેમા બનવા ન દો!’ પણ મેં એ શંકાને મનમા જ દબાવી કે ‘ના, ના, સાહિત્યની સંસ્થા પવિત્ર છે ને સિનેમા જ અપવિત્ર છે. છી છી.’
પણ એ જ સાંજની ટપાલમાં એ જ સંસ્થાના એક વિરોધી જૂથના લેખકનો પત્ર આવ્યો, જેમાં સંસ્થામાં અંદરખાને ચાલી રહેલા ભ્રષ્ટાચારની પૂરી વિગત આપેલી હતી. એ ગંદું સત્ય વાંચીને, સાહિત્યની પવિત્રતા પર તો શંકા જાગી જ પણ પછી મારી ખુદની પવિત્રતા પર પણ મને શંકા થવા માંડી! ‘સાહિત્યની સંસ્થાની પવિત્રતા’નો મારો એટક શમી ગયો ને હું પવિત્રમાંથી, ફરી એક નોર્મલ માણસ બની ગયો.
સાહિત્યના ક્ષેત્રમાં આટલાં વરસોમાં, હું ઘણીવાર પવિત્ર થવાની દુર્ઘટનામાં ફસાયો, પણ દર વખતે માંડ માંડ બચી ગયો. હું લેખનનાં ધંધામાં સાવ નવોસવો હતો ત્યારે વરિષ્ઠ સાહિત્યકારો મને કહેતા: ‘જુઓ, તમે સાહિત્યસર્જનનું કામ હાથમાં લીધું છે, તો મા વીણાધારીના મંદિરની પવિત્રતા જાળવી રાખજો.’ સાંભળીને હું થોડો ફુલાઈ જતો. વિચારતો કે સિગારેટ પીવાનું છોડી દઉં કારણ કે એના ધુમાડાથી ધૂપની સુગંધ દબાઇ જશે? પણ હું એમાંથી ઊગરી ગયો. એ વરિષ્ઠો કહેતા: ‘મા ભારતીએ તમારી સામે પાલવ પાથર્યો છે, તેને રત્નોથી ભરી દો.’ મેં મનમાં કહ્યું: ‘ઓકે, તમે મા ભારતીના પાલવમાં કચરો નાખતા જાઓ ને એમાં જ હું રત્નો ઠાલવતો જાઉં?’
પવિત્ર લેખક લોકો પણ ભારે ઇંટેરેસ્ટિંગ હોય છે. એક પવિત્ર લેખક મને હંમેશાં કહેતા: ‘બોસ, તમે હવે કંઈક શાશ્વત સાહિત્ય લખો, અમારી જેમ!’ તેઓ પોતે રોજ સટ્ટાનો નવો નવો આંકડો લગાડતા હતા, પણ સાહિત્ય તો શાશ્વત જ લખતા! મને શાશ્વત સાહિત્ય લખવાનું કહેનારાં પોતે ક્યારનાંયે ગુજરી ગયા ને હું હજીયે જીવું છું!
એ જ શાશ્વત સાહિત્યના એક પ્રોફેસરકમલેખકે અગાઉ મને કહેલું: ‘અરે, તમે શાળામાં શિક્ષક છો, છતાંયે આટલું સારું લખી શકો છો? મને તો એમ કે તમે તો પ્રોફેસર હશો!’ તે પવિત્ર પ્રોફેસરે, મારા જેવા શાળાના શિક્ષક-લેખકની સતત ઉપેક્ષા કરી. પણ પછી જતે દહાડે એમણે મારી જ રચનાઓ કોલજના ક્લાસમાં ભણાવવી પડેલી!
મોટા ભાગના લેખકોએ કલમને વેશ્યા બનાવી દીધી છે, જે પૈસા માટે ગમે તેની સાથે સૂઈ જાય છે. સત્તાધારીઓ, આપણી કલમ પર બળાત્કાર કરી લે છે ને આપણે ફરિયાદ સુધ્ધાં નથી નોંધાવતા. કેટકેટલા નીચ લોકોનાં વખાણ મેં પોતે ક્યાં નથી લખ્યાં? હું આ જ કલમથી બળાત્કારની પ્રશંસામાં ફિલ્મી ગીત પણ લખી શકું છું ને ભજન પણ લખી શકું છું. મારી પાસે આજે પૈસા આપીને મજૂર-વિરોધી અખબારનું સંપાદન કરાવી લો અને કાલે એનાથી વધારે પૈસા આપશો તો હું ટ્રેડ યુનિયનના અખબારનું સંપાદન કરી આપીશ! ક્યાં મરી પરવારી છે આપણી પવિત્રતા?
અરે, સાહિત્ય ભવનની પવિત્રતાને એક સિનેમાઘર શું ખતમ કરવાનું હતું? પણ પવિત્ર સંસ્કારી સાહિત્કારોએ હોબાળો મચાવ્યો કે ‘આ તો સંસ્કારી લોકોનો મહોલ્લો છે! અહીં ભલી-ભોળી સ્ત્રીઓ રહે છે ને અહીં સિનેમા બનાવાય?’ જાણે સિનેમા તો ગુંડાઓના મહોલ્લામાં બનવું જોઈએ, જેથી આ આબરૂદાર ઘરોની સ્ત્રીઓ સિનેમા જોવા ગુંડાઓ વચ્ચે જાય, એમ?
હું સાંજવાળા પત્રથી હળવોફૂલ થઈ ગયો. પવિત્રતાનો પેનિક એટેક શમી ગયો. મને થયું કે સાહિત્યસંસ્થાના મંત્રીશ્રીને લખું: ‘મેં એક પત્ર વડે જાણ્યું કે આપણી સંસ્થામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે! ખરેખર તો હવે સિનેમાઘરના માલિકે સરકારને અરજી કરવી જોઈએ કે આ ‘ભ્રષ્ટાચારી સાહિત્ય સંસ્થા’ને અહીંથી હટાડો, જેથી સિનેમાનાં દર્શકોની પવિત્રતા, સંસ્કાર ને નૈતિકતા પર ખરાબ અસર ન પડે!’