મુંબઈ/ટોક્યો: ભારતીય ક્રિકેટરોને સામાન્ય રીતે દેશ-વિદેશના કોઈપણ પ્રવાસ દરમ્યાન ફાઈવસ્ટાર સગવડો પૂરી પાડવામાં આવતી હોય છે, પરંતુ આ મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતીય ક્રિકેટરોને એવી કોઈ સુવિધા નહીં મળે.

ખુદ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયા (બીસીસીઆઈ)એ પણ સમર્થન આપતાં જણાવ્યું છે કે એશિયન ગેમ્સ દરમ્યાન ભારતીય ક્રિકેટરો (Cricketers) રમતોત્સવની આયોજન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી હૉટેલોમાં જ રહેશે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટરો તેમ જ અન્ય ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની રહેવાની સુવિધાઓ ફાઈવસ્ટાર સ્તરની નથી.
અગાઉ એવા કેટલાક અહેવાલો બહાર આવ્યા હતા કે એશિયન ગેમ્સમાં ક્રિકેટરો અને અન્ય ઍથ્લીટો માટેની રહેવાની વ્યવસ્થા ઠીક નથી. જોકે બીસીસીઆઈની વાત કરીએ તો એને એશિયન ગેમ્સમાં ખેલાડીઓ માટેની વ્યવસ્થા પર્યાપ્ત અને યોગ્ય લાગી છે.
બીસીસીઆઈ ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના સૅન્ડ-ઓફને લગતા ઍડવાન્સ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘ખેલાડીઓ માટે જાપાનમાં રહેવાની અને બીજી તમામ પ્રકારની વ્યવસ્થા ફાઈવસ્ટાર લેવલની નથી, પરંતુ ખૂબ સરસ છે. આયોજકો તરફથી અમને નાગોયા શહેરમાં હૉટેલ અને બીજી વ્યવસ્થાને લગતા ફોટોગ્રાફ અને વીડિયો મોકલવામાં આવ્યા છે જેના પરથી અમને ત્યાંની બધી વ્યવસ્થા કમ્ફર્ટેબલ લાગી છે. જો ક્રિકેટરો માટે આ વ્યવસ્થા નકારવામાં આવે તો પછી તેમણે ઓસાકા અથવા ટોક્યો શહેરની હૉટેલમાં રહેવા જવું પડે અને એ શહેરો એશિયન ગેમ્સના સ્થળથી ઘણા દૂર છે.'
જાપાનમાં એશિયન ગેમ્સ 19મી સપ્ટેમ્બરે શરૂ થશે, પરંતુ ક્રિકેટની ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ક્રિકેટરો 20મી સપ્ટેમ્બરે જાપાન જવા રવાના થશે અને 22મી સપ્ટેમ્બરે ભારત અને જાપાનની મેન્સ ટીમ વચ્ચે ઐતિહાસિક મૅચ રમાવાની છે.
એશિયન ગેમ્સની મેન્સ અને વિમેન્સ, બંને કૅટેગરીની ક્રિકેટમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વીવીએસ લક્ષ્મણ ભારતની મેન્સ ટીમનો અને અમોલ મુઝુમદાર વિમેન્સ ટીમનો હેડ-કોચ છે. બંને ટીમના કોચને સપોર્ટિંગ સ્ટાફના નિષ્ણાતોની મદદ મળી રહેશે.
ભારતની બંને ટીમના ખેલાડીઓ:
મેન્સ ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્ર્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.
વિમેન્સ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), પ્રતીકા રાવલ, દીપ્તિ શર્મા, ભારતી ફૂલમાલી, શ્રી ચરની, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરૂંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને નંદની શર્મા.