લોકોના જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને ગ્રહોની ચાલ વિશે અગાઉથી ચેતવણી આપતા જ્યોતિષીઓ અત્યારે પોતે જ મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં ભાગ લેવા ગયેલા ભારતભરના નામી જ્યોતિષીઓ મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ત્યાં જ અટવાઈ પડ્યા છે. જેઓ બીજાના નસીબના ગ્રહો ઉકેલવાના દાવા કરતા હતા, તેઓ પોતે જ અચાનક આવેલી આપદાનું પૂર્વાનુમાન લગાવી શક્યા ન હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.
મળતી માહિતી મુજબ, 28 ફેબ્રુઆરીના દુબઈમાં યોજાયેલા સંમેલનમાં ભારતમાંથી ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારી વિકાસ શર્મા અને રાજસ્થાનના જાણીતા જ્યોતિષી રંગનાથ શર્મા સહિત અનેક પંડિતો પહોંચ્યા હતા. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવતા આ તમામ જ્યોતિષીઓ હવે દુબઈમાં ફસાઈ ગયા છે. તેમની રિટર્ન ફ્લાઈટ્સ રદ થતા તેઓ એરપોર્ટ અને હોટેલોમાં ધક્કા ખાઈ રહ્યા છે અને ક્યારે ભારત પરત ફરી શકશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.
આ ઘટનાએ જ્યોતિષશાસ્ત્રના દાવાઓ પર મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે જે જ્યોતિષીઓ રવિવારે અકસ્માત થશે કે શનિની પનોતી નડશે તેવી આગાહીઓ કરીને લોકોને ડરાવતા હોય છે, તેમને પોતાની જ કુંડળીમાં 'યુદ્ધ યોગ' કે 'પ્રવાસમાં અવરોધ' ના દેખાયા તે આશ્ચર્યની વાત છે, જયારે પહેલી માર્ચથી યુદ્ધની સ્થિતિ સર્જાવવાની હતી, ત્યારે આ જ્યોતિષીઓ 28મી ફેબ્રુઆરીએ દુબઈ જવાની હિંમત કઈ રીતે કરી શક્યા? આ કિસ્સો સાબિત કરે છે કે વાસ્તવિક દુનિયાની આફતો સામે પંચાંગના થોથાં કામ આવતા નથી.
દુબઈની આલીશાન હોટેલોમાં બેસીને હવે આ પંડિતો કદાચ પોતાની હસ્તરેખાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હશે. સંમેલનમાં મોટી ફી વસૂલીને ભવિષ્ય ભાખનારા આ લોકો પૃથ્વીના વિનાશ કે ગ્રહોની ચાલ સમજાવવામાં વ્યસ્ત હતા, પણ યુદ્ધની જ્વાળાઓ તેમની ફ્લાઈટ રોકી શકે તેવી તેમને ગંધ સુદ્ધાં નહોતી આવી.
આ કિસ્સો એવા લોકો માટે આંખ ઉઘાડનારો છે જેઓ અંધશ્રદ્ધામાં ફસાઈને જ્યોતિષીઓના તર્કહીન દાવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. કુદરતી હોનારત કે યુદ્ધ જેવી સ્થિતિમાં વિજ્ઞાન અને સત્ય જ કામ આવે છે, આગાહીઓ નહીં. આ મુદ્દો હવે સોશિયલ મીડિયા પર પણ છેડાયો છે કે જ્યોતિષીઓએ બીજા નહીં, પોતાની પણ કુંડળી જોવી જોઈએ.