અમદાવાદઃ ન્યૂ ઝીલૅન્ડ સામે 10મા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે (India) પ્રથમ બૅટિંગ કરવા મળી ત્યાર બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન કરીને કિવીઓને 256 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 256 રનનો હાઇએસ્ટ ટીમ-સ્કોર (જે ભારતનો જ હતો) એ તો ન તૂટી શક્યો, પરંતુ અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને છેલ્લે શિવમ દુબેએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને મહાનુભાવો સહિત સવા લાખ જેટલા પ્રેક્ષકોને મોજ કરાવી દીધી હતી. ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ (final)ના ઇતિહાસમાં ભારતના 5/255 હવે તમામ દેશોમાં હાઈએસ્ટ ટીમ સ્કોર છે.
અભિષેક શર્મા (બાવન રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને સંજુ સૅમસન (89 રન, 46 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર)ની જોડીએ 7.1 ઓવરમાં 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સંભવિત જીતનો પાયો નાખી આપ્યો હતો. સૅમસન સતત ત્રીજી મૅચમાં સેન્ચુરી ચૂકી ગયો, પણ આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી ત્રણેય ઇનિંગ્સ (97 અણનમ, 89 રન અને 89 રન) વર્ષો સુધી યાદ રખાશે. તેણે આ ફોર્મેટના વર્લ્ડ કપની ફાઇનલમાં 89 રનનો નવો વિશ્વ વિક્રમ પણ રચ્યો હતો.
PTI
સૅમસન અને ઇશાન કિશન (54 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) વચ્ચે 105 રનની ભાગીદારી થઈ હતી. જોકે પીઢ પેસ બોલર જેમ્સ નીશૅમે ભારતની ઇનિંગ્સની 16મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ભારતના રનમશીનને બે્રક લગાવી હતી. સૅમસન, કિશન અને સૂર્યકુમાર યાદવ (0)ની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડ્યા બાદ ભારતીય બૅટ્સમેનો ખૂબ ધીમા પડી ગયા હતા.
હર્દિક પંડ્યા (18 રન, 13 બૉલ, એક સિક્સર, એક ફોર)એ થોડી આતશબાજી કર્યા પછી વિકેટ ગુમાવી હતી અને છેલ્લી ઓવર્સમાં તિલક વર્મા (આઠ અણનમ) તો ખાસ કંઈ આક્રમક નહોતો રમ્યો, પરંતુ શિવમ દુબે (26 અણનમ, આઠ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ ફટકાબાજી કરીને ભારતનું ટોટલ 250-પ્લસ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કિવી બોલર્સમાંથી નીશૅમે ત્રણ તેમ જ મૅટ હેન્રી તથા રચિન રવીન્દ્રએ એક-એક વિકેટ લીધી હતી. ખુદ કૅપ્ટન મિચલ સૅન્ટનર, ગ્લેન ફિલિપ્સ, લૉકી ફર્ગ્યુસન અને જેકબ ડફીને વિકેટ નહોતી મળી.