નવી દિલ્હીઃ ભારતમાં ક્લાઈમેન્ટ ચેન્જની અસર અંતર્ગત આ વર્ષનો ઉનાળો ભુક્કા બોલાવી દેશે. માત્ર બપોર જ પરસેવા નહીં છોડાવે પણ દિવસ કરતા રાત ગરમ રહે એવા એંધાણ છે. દિવસ કરતા રાત્રે બફારો અકળાવી નાંખશે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વારમેન્ટ એન્ડ વોટર તરફથી પ્રકાશિત એક રીપોર્ટમાં આ વર્ષે ભારત અગાઉના વર્ષ કરતા વધારે ગરમ રહેશે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ ભીષણ ગરમીનો ચમકારો અનુભવાયો હતો. હવે હવામાન પર થયેલા સર્વેના એક તારણમાંથી જાણવા મળ્યું છે કે, આ વર્ષનો ઉનાળો સૌથી આકરો રહેવાનો છે.
ગરમી ભુક્કા બોલાવશે
રીપોર્ટ અનુસાર દેશના 57 ટકા જિલ્લાઓ પર ભીષણ તાપ શેકાવી નાંખશે. આ ટકાવારીમાં જે 76 ટકા લોકો રહે છે એને ગરમીની સીધી અને માઠી અસર થશે. દિલ્હી, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના શહેરો પર આ વર્ષે તાપ ભુક્કા બોલાવશે. ખાસ વાત એ છે કે, આ તાપ માત્ર દિવસ પૂરતો સિમિત નથી. સૂર્યાસ્ત થયા બાદ ગ્રાઉન્ડ લેવલ સુધી ગરમાવો અનુભવાશે જેની અસર આખી રાત સુધી રહેશે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લુરૂ જેવા શહેરમાં તાપની અસર વધારે થશે. જ્યારે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં સૂર્યાસ્ત બાદ ગરમી પરસેવા છોડાવશે.
દિવસ કરતા રાત રહેશે ગરમ
હવામાન પર થયેલા આ અભ્યાસના તારણમાંથી એકવાત એ સામે આવી છે કે, દિવસ કરતા રાત વધારે ગરમ રહેશે. આ પાછળનું કારણ એ છે કે, દિવસના સમયગાળામાં ગરમીમાંથી કોઈ રીતે મુક્તિ મળી શકે એમ નથી. બીજી તરફ સખત તાપને કારણે જમીનની સતત તપતી સપાટી રાત્રી દરમિયાન એટલી ઝડપથી ઠંડી પડી શકે એમ નથી. આની અસર એ થાય છે કે, દિવસ દરમિયાન ગરમી વધે તો સ્ટ્રોકનું જોખમ વધે છે. બીજી તરફ ઉત્તર ભારતમાં હ્યુમિડિટી વધી રહી છે. કાનપુર, જયપુર, દિલ્હી અને વારાણસી જેવા શહેરમાં તેની સીધી અસર જોવા મળશે. જ્યારે પશ્ચિમી રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમી વધારે અનુભવાશે.