ન્યુ યોર્ક: તાજેતરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો કર્યો હતો, જેમાં જેમાં સંખ્યાબંધ અફઘાન નાગરીકના મોત થયા હતાં, અફઘાનિસ્તાનના વળતા હુમલા બાદ પાકિસ્તાને યુદ્ધની જાહેરાત કરી હતી. યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)ની બેઠકમાં ભારતે અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાનના હુમલાની કડક ટીકા કરી છે.
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને રાષ્ટ્રના સાર્વભૌમત્વના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ સાથે ભારતે નાગરિકોના મોત, શરણાર્થીઓને બળજબરીથી પરત મોકલવા અને અફગાનિસ્તાન પર વેપાર-પરિવહન પરના પ્રતિબંધો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ચર્ચા કરવા બોલાવવામાં આવેલી યુએનએસસીની બેઠકમાં ભારતના પ્રતિનિધિ હરીશ પર્વથાનેનીએ ભારતનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે કહ્યું, " અફઘાનિસ્તાનના ક્ષેત્ર પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓની ભારત સખત નિંદા કરે છે, આ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને રાજ્ય સાર્વભૌમત્વના સિદ્ધાંતનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે."
પાકિસ્તાનના દંભને ઉઘાડો પાડ્યો:
પાકિસ્તાનના દંભને ઉજાગર કરતા હરીશ પર્વથાનેનીએ કહ્યું કે પાકિસ્તાન એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામિક એકતાના ઉચ્ચ સિદ્ધાંતોની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન નાગરીકો પર એર સ્ટ્રાઈક કરી રહ્યુ છે.
તેમણે આંકડા આપીને કહ્યું કે 6 માર્ચ, 2026 સુધીમાં પાકિસ્તાનના હુમલાઓમાં 185 નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી લગભગ 55% મહિલાઓ અને બાળકો છે.
અફઘાનિસ્તાન ભારતનું મિત્ર:
પર્વથાનેનીએ અફઘાનિસ્તાન સાથે ભારતના લાંબા સમયથી ચાલ્યા વાત મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકો માટે હેલ્થ કેર ફેસિલિટીના નિર્માણના કાર્યક્રમો માટે પ્રતિબદ્ધ છે. ભારતે અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતોમાં 500 થી વધુ સહિયારા વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.
ભારત અફઘાનિસ્તાનમાં ફૂડ સિક્યોરિટી, એજ્યુકેશન, હેલ્થ કેર અને સ્પોર્ટ્સના વિકાસ માટે યુનાઇટેડ નેશન્સ એજન્સીઓ અને સ્થાનિક સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યું છે.