Thu Oct 08 2026

Logo

અભિષેક જેટલા રન પણ અફઘાનિસ્તાન ન બનાવી શક્યું, ભારતની 3-0થી ક્લીન સ્વીપ

2026-09-17 22:54:00
Author: Ajay Motiwala
અભિષેક જેટલા રન પણ અફઘાનિસ્તાન ન બનાવી શક્યું, ભારતની 3-0થી ક્લીન સ્વીપ

PTI


નવી દિલ્હીઃ ભારતે અહીં ગુરુવારે અફઘાનિસ્તાનને ત્રીજી અને અંતિમ ટી-20માં 127 રનથી હરાવીને એનો 3-0થી વાઇટવૉશ કર્યો હતો. બૅટિંગ મળ્યા બાદ ભારતે સાત વિકેટે 221 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ 14.1 ઓવરમાં ફક્ત 94 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનની ટીમ આ મૅચના સુપરસ્ટાર તેમ જ એક સેન્ચુરી ફટકારીને બે ખેલાડીના વિક્રમ તોડનાર અભિષેક શર્મા (108 રન, 34 બૉલ, 45 મિનિટ, અગિયાર છગ્ગા, નવ ચોગ્ગા) જેટલા રન પણ ન બનાવી શકી. નીતીશ રેડ્ડીએ સતત બીજી મૅચમાં ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો. રવિ બિશ્નોઈએ પણ ત્રણ વિકેટ તેમ જ અક્ષર પટેલે બે તથા બુમરાહ અને અર્શદીપના સ્થાને રમેલા યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, દિલ્હીમાં ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 221 રન બનાવીને અફઘાનિસ્તાનને જીતવા 222 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્માએ માત્ર 30 બૉલમાં સદી પૂરી કરીને આંતરરાષ્ટ્રીય ટી-20 રમતા મોટા દેશોમાં ફિન ઍલનનો 33 બૉલની સદીનો આંતરરાષ્ટ્રીય વિક્રમ અને રોહિત શર્માનો 35 બૉલની સદીનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. અભિષેક ઉપરાંત સંજુ સૅમસને 50 રન 35 બૉલમાં ચાર સિક્સર અને બે ફોરની મદદથી બનાવ્યા હતા. અભિષેકે 34 બૉલમાં 108 રન બનાવ્યા, જ્યારે સૅમસને 35 બૉલમાં 50 રન બનાવ્યા હતા અને સામા છેડેથી અભિષેકને બહુ સારો સાથ આપ્યો હતો. બન્ને વચ્ચે 142 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

ટી-20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી એસ્ટોનિયાના ભારતીય મૂળના બૅટ્સમૅન સાહિલ ચૌહાણ (27 બૉલમાં 100 રન)ના નામે છે. તેણે એ સદી સાયપ્રસ વિરુદ્ધ કરી હતી. જોકે મોટા દેશો વચ્ચે રમાયેલી ટી-20 મૅચોની જ વાત કરીએ તો ન્યૂ ઝીલૅન્ડના ફિન ઍલનની સાઉથ આફ્રિકા સામેની 33 બૉલની સદી અત્યાર સુધી વિક્રમજનક ગણાતી હતી. જોકે હવે અભિષેકે 30 બૉલની સદી સાથે તેનો એ રેકૉર્ડ તોડી નાખ્યો છે.