Wed Jul 01 2026

Logo

ગરબા પર હાઈ કોર્ટ લાલચોળ: કોઈ ગુજરાતી ગરબાનો વિરોધ કઈ રીતે કરી શકે?

2026-02-14 11:21:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ ગરબાની ઓળખ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકેની છે. ગરબો આજે ગ્લોબલ બન્યો છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક રૂપિયાના ટોકન દરે એક આયોજકને 30 કરતા વધુ વર્ષથી ગરબાના આયોજન માટે પ્લોટની ફાળવણી સામે કરવામાં આવેલી જાહેરહિતની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી એન રેડની ખંડવપીઠે પાર્ટી ઈન પર્સન તરીકે હાજર વડોદરાના અરજદારને સવાલ કર્યો કે, જો તમે ગુજરાતના છો તો તમને ખબર હશે કે ગરબા તો દરેક ગુજરાતીના દિલ અને આત્મામાં વસે છે. તમે એક ગુજરાતી થઈને વિરોધ કઈ રીતે કરી શકો. ગરબા તો ગુજરાતની અર્વાચીન પરંપરા અને સંસ્કૃતિ છે ત્યારે જો કોર્પોરેશન ગુજરાતના સ્થાનિક નૃત્ય ગરબાનો પ્રચાર-પ્રસાર કરે તેમાં ખોટું શું છે?

કોણે કરી હતી અરજી

વડોદરાના રહેવાસી અને લોકસભાની ચૂંટણી લડી ચુકેલા અને વ્યવસાયે લીગલ એડવાઇઝર રાહુલ વ્યાસે પાર્ટી ઇન પર્સન તરીકે આ મામલે જાહેરહિતની અરજી કરી દલીલ કરી હતી કે,વડોદરા મ્યુ. કોર્પો. છેલ્લા 30 વર્ષોથી એક આયોજકને જ પક્ષપાત કરીને માત્ર એક રૂપિયાના ભાવે પ્લોટ ફાળવે છે. આ રીતે અંદાજિત 600 કરોડનું નુકસાન કોર્પોરેશનને થયું છે. આયોજન એક રૂપિયાના ટોકન દરે પ્લોટ લઇને ઉંચી કીંમતો પર ગરબાના પાસ વેચી ધંધો કરે છે અને કોર્પોરેશન નુકસાન વેઠે છે. ત્યારે એક જાગૃત શહેરી તરીકે આ રિટ કરવામાં આવી છે.

કોર્પોરેશનના નુકસાનની ચિંતા કોર્પોરેશનને કરવા દો

હાઇ કોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, કોર્પોરેશનના નુકસાનની ચિંતા કોર્પોરેશનને કરવા દો. તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો એ જાહેરહિતનો નથી અંગત હિતનો છે. આ માટે જાહેરહિતની અરજીનો ઉપયોગ કરી શકાય નહીં. આ કોઇ મંચ નથી કે તમે અહીં ભાષણબાજી કરો. અહીં દરેક વસ્તુ કાયદા હેઠળ જ થાય એના સિવાય નહીં.

 હવે પછી આવી અરજીઓ કરશો તો તમને દંડ કરાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એડવોકેટે અરજી અને અરજદારનો વિરોધ કરતાં કોર્ટને જાણ કરી હતી કે,કોર્ટ અરજદારના બેકગ્રાઉન્ડની ચકાસણી કરશે તો આ કેસ પાછળની મંશા જાહેર થઇ જશે. કોર્ટે અરજદારને સવાલ કરતાં તેણે કહ્યું હતું કે,તે લીગલ એડવાઇઝર છે અને તેણે લોકસભાની ચૂંટણી પણ લડી છે ત્યારે હાઇ કોર્ટે એવી ટકોર કરી હતી કે, તમે જ્યારે ચૂંટણી લડો ત્યારે આવા મુદ્દે ભાષણ કરી શકો, કાયદાનો આવો દુરુપયોગ ન કરી શકો. જો હવે પછી તમે આવી અરજીઓ કરશો તો તમને દંડ કરાશે.