Mon May 25 2026

Logo

આરસીબીના દિલધડક વિજય બાદ હેડ-કોચ ઍન્ડી ફ્લાવરને દંડ: જાણો શું હતું કારણ...

2026-05-11 12:36:00
Author: Ajay Motiwala
Article Image

રાયપુર: ક્યારેક રોમાંચક મૅચમાં છેલ્લી ઘડીએ (છેલ્લા બૉલે) વિજય મેળવનાર ટીમના સેલિબ્રેશનમાં રંગમાં ભંગ પડી જતો હોય છે અને એવું રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ને હરાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કિસ્સામાં બન્યું.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને આરસીબીના હેડ-કોચ ઍન્ડી ફ્લાવર (ANDY FLOWER)એ આઇપીએલની આચાર સંહિતાની કલમ 2.3નો ભંગ કર્યો હતો. એ કલમનું ઉલ્લંઘન કર્યું હોવાનું ફ્લાવરે કબૂલ પણ કર્યું હતું એટલે તેમની મૅચ ફીનો 15 ટકા હિસ્સો કાપી લેવામાં આવ્યો હતો.

આરસીબીએ આ મૅચ છેલ્લા બૉલે બે વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. કૃણાલ પંડ્યા (73 રન, 46 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) આ મૅચનો સુપર બૅટ્સમૅન હતો. 23 રનમાં મુંબઈની ચાર વિકેટ લેનાર પેસ બોલર ભુવનેશ્વર કુમારને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં મુંબઈએ સાત વિકેટે 166 રન બનાવ્યા ત્યાર બાદ આરસીબીની ટીમ 167 રનનો નાનો લક્ષ્યાંક મેળવવાની તૈયારીમાં જ હતી ત્યારે 18મી ઓવરમાં ઍન્ડી ફ્લાવરે બાઉન્ડરી લાઈનની બહાર ઊભેલા ફોર્થ અમ્પાયર કૌશિક ગાંધી સાથે એક બનાવ બાબતમાં ખૂબ દલીલ કરી હતી અને એ વર્તન બદલ ફ્લાવરને 15% દંડ કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના સ્પિનર એએમ ગઝનફરનો એક બૉલ બેંગ્લોરના બૅટ્સમૅન કૃણાલ પંડ્યાએ લૉફટેડ શૉટમાં લોંગ ઑન તરફ મોકલ્યો હતો. મુંબઈના ફીલ્ડર નમન ધીરે કૅચ ઝીલી લીધો હતો, પરંતુ તે કૂદકો મારીને બાઉન્ડરી લાઈનને પાર ગયો એ પહેલાં તેણે બૉલ નજીકમાં ઊભેલા તિલક વર્મા તરફ ફેંક્યો હતો.

જોકે તિલક એ બૉલ ઝીલી નહોતો શક્યો અને કૅચ કમ્પ્લીટ નહોતો થઈ શક્યો. તિલકે ત્યારે એ શૉટમાં સિક્સર ગઈ હોવાનો સંકેત પણ આપ્યો હતો. તિલકને એવું લાગ્યું હતું કે નમન ધીરનો પગ બાઉન્ડરી લાઈનને ટચ થઈ ગયો હતો એટલે તેણે સિક્સરનો સંકેત આપી દીધો હતો. જોકે ટીવી અમ્પાયર નીતિન મેનનને રિપ્લે પરથી જાણવા મળ્યું હતું કે નમન ધીરનો પગ બાઉન્ડરીને ટચ નહોતો થયો એટલે તેમણે એને ડૉટ-બૉલ જાહેર કર્યો હતો. ઍન્ડી ફ્લાવરે ત્યારે ફોર્થ અમ્પાયર કૌશિક ગાંધી સાથે ઉગ્ર દલીલ કરી હતી અને એનું પરિણામ તેણે 15%ના દંડ સાથે ભોગવવું પડ્યું છે. તેને આ દંડ મૅચ રેફરી અમિત શર્માએ કર્યો હતો.