લંડનઃ ભારતની મહિલા ક્રિકેટ કૅપ્ટન હરમનપ્રીત કૌરે લૉર્ડ્સ (Lord's)માં ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી ઐતિહાસિક ટેસ્ટ દરમ્યાન બે મોટી સિદ્ધિ મેળવી.
તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,000 રન પૂરા કર્યા છે અને લૉર્ડ્સમાં ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં હાફ સેન્ચુરી પૂરી કરનાર (પુરુષ તથા મહિલા ક્રિકેટ, બન્નેમાં) ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.
માત્ર ત્રણ પુરુષ ખેલાડીઓની સિદ્ધિ
લોર્ડ્સમાં ત્રણેય ફોર્મેટમાં 50 કે વધુ રન બનાવનાર ફક્ત ત્રણ પુરુષોમાં પાકિસ્તાનના યુનીસ ખાન તેમ જ શ્રીલંકાના માહેલા જયવર્દને અને કુમાર સંગકારાનો સમાવેશ છે.
શુક્રવારે હરમનપ્રીત (Harmanpreet)એ આ મેદાન પર શરૂ થયેલી સૌપ્રથમ મહિલા ટેસ્ટના પ્રથમ દાવમાં 58 રન બનાવ્યા હતા. તેણે 2012માં લૉર્ડસમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં 50 રન બનાવ્યા હતા. તેણે તાજેતરમાં (28મી જૂને) આ મેદાન પર ટી-20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે 56 રન બનાવ્યા હતા.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હરમનપ્રીતના નામે કુલ 9,000 રન (ટેસ્ટમાં 304 રન, વન-ડેમાં 4,541 રન અને ટી-20માં 4,216 રન છે).