Sun Aug 23 2026

Logo

હરભજન સિંહે રોહિત-વિરાટને લિયોનેલ મેસી સાથે સરખાવીને સિલેક્ટરો અને ટીકાકારોને કરી ટકોર

2026-08-13 17:06:52
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ મહાન સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે જો લિયોનેલ મેસી 40 વર્ષની ઉંમરે અવ્વલ દરજ્જાની ફિટનેસ સાથે રમીને અસ્સલ કૌશલ્ય બતાવી શકતો હોય તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉંમરને શા માટે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે? રોહિત અને વિરાટ ઢગલો રન બનાવી રહ્યા છે તો તેમની વય કરીઅરને આગળ વધારવા માટે વિઘ્નરૂપ હોવી જ ન જોઈએ.

ભજ્જીનું એવું પણ કહેવું છે કે રોહિત (Rohit) અને વિરાટ (Virat) 2027ના વન-ડે વર્લ્ડ કપમાં રમવા મક્કમ હોય તો તેમને તેનો પૂરો ટેકો છે. હરભજને આ નિવેદનો પીટીઆઇને પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં કર્યા હતા.

રાઇટ-આર્મ ઑફબે્રક સ્પિનર ભજ્જીની આત્મકથા રિલીઝ થવાની તૈયારીમાં છે. તે 46 વર્ષનો છે અને 1998થી 2016 સુધીમાં ભારત વતી 103 ટેસ્ટ, 236 વન-ડે અને 28 ટી-20 મૅચ રમ્યો હતો જેમાં તેણે અનુક્રમે 417, 269 અને પચીસ વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે 2008થી 2021 દરમ્યાન મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા વતી રમ્યો હતો.

વૈભવ સૂર્યવંશીનો કર્યો ઉલ્લેખ

રોહિત શર્મા 39 વર્ષનો અને વિરાટ કોહલી 37 વર્ષનો છે. ભજજીનું તેમના વિશે કહેવું છે કે `કોઈ પણ ખેલાડીની બાબતમાં તેની ઉંમર નહીં, પણ તેનો પર્ફોર્મન્સ માપદંડ હોવો જોઈએ. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી રોમાંચ જગાડનારો બૅટ્સમૅન છે, પરંતુ તે હજી બહુ નાનો અને બિનઅનુભવી છે. આગામી વન-ડે વર્લ્ડ કપની વાત કરું તો વૈભવ જેવા યુવાન ખેલાડીઓ કરતાં અનેકગણો અપેક્ષાનો બોજ રોહિત-વિરાટ ખમી શકે એમ છે. બન્ને દિગ્ગજ ખેલાડી મોટી સંખ્યામાં રન બનાવી શકતા હોય અને શ્રેયસ ઐયર તથા યશસ્વી જયસ્વાલ જેવી ફિટનેસથી રમતા હોય તો પછી કહેવું જ શું!'

હરભજને મુલાકાતમાં સંદર્ભ માટે લિયોનેલ મેસીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. 39 વર્ષના મેસીએ 2022માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ટ્રોફી અપાવી હતી અને આ વખતે શ્રેષ્ઠ કૌશલ્યથી ફાઇનલ અગાઉ દરેક ટીમની ડિફેન્સ ભેદીને ગોલ કર્યા હતા અને આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

મેસી હરીફોને હંફાવી શકે તો...

2027ના વર્લ્ડ કપ વખતે રોહિત 40 વર્ષનો અને વિરાટ 39 વર્ષનો થઈ ગયો હશે. હરભજને કહ્યું, `વિરાટ ભલે 39 વર્ષનો થઈ જશે, પણ હજી પણ તે 20 વર્ષ જેવડા યુવાનિયાઓને ઝાંખા પાડી શક્તો હોય તો તેની ઉંમર બાધારૂપ ન હોવી જોઈએ. 40 વર્ષના મેસીને પાંચ-પાંચ હરીફ ખેલાડી ગોલપોસ્ટ તરફ જતા રોકી ન શકતા હોય તો એ પુરવાર થાય છે કે કુશળતા અને કાબેલિયત સામે ઉંમર કંઈ જ ગણતરીમાં ન કહેવાય.'

લક્ષ્યાંક વિશે વિરાટનું વલણ ગજબનું

ખેલાડીઓમાં `આપણે જીતી જ શકીશું' એવી દૃઢતા વિરાટ કોહલી જ લાવ્યો હતો, એવું જણાવીને હરભજને ઇન્ટરવ્યૂમાં કહ્યું, `મને યાદ છે, વિરાટ ડ્રેસિંગ-રૂમમાં સાથીઓને સતત કહેતો હતો કે કોઈ પણ લક્ષ્યાંક હાંસલ ન કરી શકાય એવો હોય જ નહીં. તેમનામાં ફિટનેસને લગતો અભિગમ પણ વિરાટે બદલી નાખ્યો હતો. તે 2014-'15માં કૅપ્ટન બન્યો એ પહેલાં અમે ટેસ્ટના અંતિમ દિવસે 400 રનનો લક્ષ્યાંક મેળવવા વિશે વિચારી પણ નહોતા શક્તા, પરંતુ તે કૅપ્ટન બન્યા પછી અમને કહેતો કે આપણે આ ટાર્ગેટ મેળવવા પ્રયત્ન તો કરી શકીએ, આપણે પ્રયત્ન કરતા રહીશું તો પછીની કોઈ ટેસ્ટમાં અંતિમ દિવસે આ લક્ષ્યાંક મેળવીને રહીશું. તેણે એવો જ અભિગમ ટેસ્ટના છેલ્લા દિવસે મેળવવા વિશે રાખ્યો હતો.'

હેડ-કોચ ગંભીરને ભજ્જીની સલાહ

હરભજન સિંહે પૉડકાસ્ટમાં વિરાટ ઉપરાંત રોહિતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, `ટીમમાં ફિટનેસને લગતું નવું કલ્ચર વિરાટ જ લાવ્યો છે. ફિટનેસની બાબતમાં તેણે ક્રાંતિ લાવી દીધી છે. તે કૅપ્ટન તરીકે સાથીઓને કહેતો કે તમે જો પૂરેપૂરા ફિટ હશો તો કંઈ પણ હાંસલ કરી શકશો. હું જો ટીમ ઇન્ડિયાનો કોચ હોત તો રોહિત-વિરાટને પુષ્કળ તક આપત, કારણકે વૈભવ સૂર્યવંશી કરતાં આ બન્ને દિગ્ગજ પાસે મેં અનેકગણી અપેક્ષા રાખી હોત. બન્નેને 300 જેટલી વન-ડેનો અનુભવ છે.'