અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આજે સવારે 4 થી 6ના સમયગાળામાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ચાર તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચમાં સૌથી વધુ 1.38 ઇંચ વરસદા પડ્યો હતો. જ્યારે મહેસાણાના જોટાણામાં 1.30 ઇંચ અને બેચરાજીમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના ઝઘડિયામાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના તિલકવાડામાં 0.87 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 0.87 ઇંચ, અમદાવાદના ધોળકામાં 9.87 ઇંચ, સુરતમાં 0.79 ઇંચ, ધ્રાંગધ્રામાં 0.79 ઇંચ, વિસનગરમાં 0.70 ઇંચ, સંખેડામાં 0.67 ઇંચ, ખેરાલુમાં 0.67 ઇંચ, વિરમગામમાં 0.63 ઇંચ, ડીસામાં 0.59 ઇંચ, મહેસાણામાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં આજે ક્યાં કયું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારી સામેલ છે. આ ઉપરાંત છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાને પગલે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર. મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છુટાછાયા વરસાદની શક્યતા છે. અમદાવાદ- ગાંધીનગરના ભાગોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 12 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા છે.