Fri Oct 02 2026

Logo

ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે અતિભારે વરસાદ, વાંચો પરેશ ગોસ્વામીની આગાહી

2026-09-15 08:17:00
Author: Mayur Patel
ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે અતિભારે વરસાદ, વાંચો પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આશરે દોઢ મહિના વિરામ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘમહેર થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે ખાસ વાતચીત કરી હતી.

પરેશ ગોસ્વામીએ કહ્યું, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ હાલ ગુજરાત પર સક્રિય થઈ છે અને તેનો સેન્ટ્રલ પાર્ટ ગુજરાત પર પહોંચી ચૂક્યો છે. વાતાવરણમાં ભેજવાળા પવનો શરૂ થતાં સિસ્ટમ ઉત્તર તરફ ફંટાવાને બદલે ગુજરાત પરથી પસાર થઈ રહી છે.  આ વરસાદી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ધીમે-ધીમે આગળ વધી રહી હોવાથી 16 તારીખ સુધી ગુજરાતભરમાં સક્રિય રહેશે. 16 તારીખે મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યા બાદ 17 તારીખથી વાતાવરણ ફરી ચોખ્ખું થવાની શક્યતા છે.

 

આ ઉપરાંત તેમણે કહ્યું, દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વ અનેમધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ સાથે 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં 2 થી 5 ઇંચ વરસાદ તથા કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે લઈ શું બોલ્યા પરેશ ગોસ્વામી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કચ્છમાં વરસાદની ઘટ ભોગવતા કચ્છમાં આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ અને એક-બે સ્પેલ અત્યંત ભારે વરસાદના જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં 2 થી 4 ઇંચ જેટલો સારો વરસાદ વરસી શકે છે.

વરસાદની ખેડૂતો અને પાક પર શું અસર થશે

વરસાદની ખેડૂતો અને પાક પર અસર અંગે બોલતાં પરેશ ગોસ્વામીએ કહ્યું, છેલ્લા 40 દિવસના લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય થયું છે. જે વિસ્તારોમાં વરસાદના અભાવે ચોમાસુ પાક સંપૂર્ણ સુકાઈ ગયો હતો ત્યાં નુકસાન ભરપાઈ થઈ શકે તેમ નથી. જોકે, જ્યાં પાક હજુ જીવંત છે તેને મોટો ફાયદો થશે તેમજ જળાશયો અને ભૂગર્ભજળનું સ્તર સુધરવાથી શિયાળુ પાક (જીરું, ધાણા, ચણા) અને પશુપાલન માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થશે.

હવામાન વિભાગનું પૂર્વાનુમાન


હવામાન વિભાગે સોમવારે જાહેર કરેવા પૂર્વાનુમાન મુજબ મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 16 થી 18 સપ્ટેમ્બર રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બર  સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં  રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.  રાજ્યમાં એક તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 5 ઇંચથી વધારે,  આઠ તાલુકામાં 4 ઇંચથી વધારે, 26 તાલુકામાં 3 ઇંચથી વધારે, 37 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો નોંધાયો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બોરસદમાં 5.51 ઇંચ, કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ અને ગાંધીધામ, ભચાઉ, કડી, કરજણ, સુરત શહેર તથા ધોળકા સહિતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અમદાવાદ શહેરમાં પણ 3.43 ઇંચ વરસાદ ખાબક્યો હતો.