વડિયા: બૃહદ ગીરમાં સમાવેશ પામતા વિસ્તારોમાં સિંહોની અવરજવર બાદ સિંહોના હુમલાના બનાવોમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના અરજણસુખ વિસ્તારમાં સિંહણના આતંકનો મામલો બહાર આવ્યો છે. વડિયાના અરજણસુખ ગામ નજીક એક સિંહણે પાંચ લોકો પર હુમલો કર્યો છે. હવે આ સિંહણને પકડવા માટે વન વિભાગે ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના વડિયા નજીકના અરજણસુખ ગામમાં સિંહણે આતંક મચાવ્યો છે. ગત રાતે સામાજિક કામથી પરત ફરી રહેલા બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો હતો, ત્યારબાદ વહેલી સવારે સિંહણે અન્ય બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જો કે આટલેથી ન અટકતા ગાર્ડ અનિરુદ્ધ વાળા ઉપર પણ સિંહણે હુમલો કર્યો હતો. લોકો પર હુમલાની ઘટના બાદ ગત રાતથી જ વનવિભાગે કાર્યવાહી આદરી દીધી હતી, જો કે આજે સવારે પાંચમા હુમલાની ઘટના બાદ વન વિભાગવધુ ટીમો દ્વારા સિંહણ પકડવા ફરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વનવિભાગનો મોટો કાફલો અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે.
ગઇકાલ રાતે સામાજિક પ્રસંગ પૂરો કરીને પરત ફરી રહેલા તોરી ગામના રહીશ મેહુલભાઈ વાજા અને ભગીરથભાઈ બસિયા જ્યારે અરજણસુખ ગામથી અરજણસુખ પાટિયા તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન સિંહણે હુમલો તેમના પર હુમલો કર્યો હતો, આથી તેઓ ગાડી પરથી નીચે પડી ગયા હતા. તેમને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે અન્ય બે વ્યક્તિઓ પર પણ સિંહણે હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગાર્ડ અનિરુદ્ધ વાળા ઉપર પણ સિંહણે હુમલો કર્યો હતો. આમ હુમલાનો ભોગ બનેલા લોકોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બૃહદ ગીર વિસ્તારમાં સમાવેશ પામતા પ્રદેશોમાં સિંહોની અવરજવર ખૂબ જ સામાન્ય બની રહી છે. તાજેતરમાં જ જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા, થાણા ગાલોળ ગામની સીમમાં માલધારીઓના પશુઓનું મારણ કર્યું હતું. તે ઉપરાંત ભેંસાણ, વડિયા, જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર અને શિકારની ઘટનાઓમાં વધારો થયો છે.