Fri Jul 24 2026

Logo

ગુજરાતમાં મિલકતની પેપરલેસ નોંધણીની તૈયારી: મહેસૂલ વિભાગના ૩-દિવસીય ચિંતન શિબિરમાં ઘડાશે રોડમેપ

2026-05-04 09:51:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં મિલકતની પેપરલેસ નોંધણી થશે. આ અંગે મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરમાં રોડમેપ ઘડવામાં આવશે. આગામી સમયમાં જે મહત્વના પગલાં લેવામાં આવનાર છે તેમાં મિલકતની પેપરલેસ નોંધણી, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જાહેર સેવાઓમાં વધુ પારદર્શિતા અને જવાબદારી, તેમજ જમીન રેકોર્ડનું ડિજિટલાઇઝેશન અને તેને અપડેટ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જમીન સર્વે અને રિ-સર્વે તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની વ્યૂહરચનાઓ પણ ઘડવામાં આવશે.

ક્યારે અપાશે આખરી ઓપ

મહેસૂલ વિભાગના આ એક્શન પ્લાનને 5 થી 7 મે દરમિયાન યોજાનારી ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે. વિઝન 2030 ગુજરાતમાં જમીન શાસનનું ભવિષ્ય' થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને મજબૂત કરવા પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. જેમાં અગાઉના સેમિનારોમાં રજૂ કરવામાં આવેલા શ્વેતપત્રો અને તેના પર થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવશે.

વર્તમાન નીતિઓની સમીક્ષા કરાશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ 2047ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવશે અને સૂચિત રોડમેપ રાજ્યને વિકસિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ શિબિરમાં પ્રવર્તમાન નીતિઓની સમીક્ષા કરવામાં આવશે અને પારદર્શિતા વધારવા માટે વહીવટી અવરોધો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાગરિક સેવાઓમાં કાર્યક્ષમતા વધારવા માટે ડિજિટલ ગવર્નન્સ અને જનવિશ્વાસ કેળવવા માટે જમીન વહીવટમાં નવી ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકવામાં આવશે.

કોણ કોણ થશે સામેલ

આ શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાદેશિક અધિકારીઓ અને ISRO, BISAG-N, IITs, IIMs, IGNOU અને સર્વે ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓના નિષ્ણાતો ભાગ લેશે. કાર્યક્રમમાં જૂથ ચર્ચાઓ, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો યોજાશે. મહેસૂલ વિભાગમાં વહીવટી સુધારા માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરવામાં આવશે.