અમદાવાદઃ આણંદ જિલ્લાના ખંભાતમાં શાળાએ જતી વખતે ગુમ થયેલી ધોરણ 7ની એક વિદ્યાર્થીનીને ગુજરાત પોલીસે વિશ્વાસ ફેઝ-2 સીસીટીવી નેટવર્ક અને ડિજિટલ સરવેલન્સ સાધનોનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી.
આ વિદ્યાર્થીની ખંભાતનાં ખોડિયાર નગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરેથી ખંભાત નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા જવા માટે નીકળી હતી. જ્યારે તે શાળાએ ન પહોંચી, ત્યારે તેનાં વર્ગશિક્ષકે વાલીઓને જાણ કરી, જેમણે તાત્કાલિક ખંભાત સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિશ્વાસ ફેઝ-2 સીસીટીવી નેટવર્કના ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને ગણતરીના કલાકોમાં બાળકી સુધી પહોંચી શક્યા અને બાળકીને તેની સાયકલ સાથે શોધી કાઢી. તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ માત્ર એક કિસ્સો નથી. પહેલી જુલાઇથી 28 જુલાઇ દરમિયાન ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં આવા 42 ગુમ થયેલા બાળકને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ કિસ્સાઓ દર્શાવે છે કે, બાળ સુરક્ષા ક્ષેત્રે ટેકનોલોજી કેવી રીતે એક મહત્વપૂર્ણ સાધન બની રહી છે.
રાજ્યવ્યાપી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસના ભાગરૂપે 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પોલીસે સાયબર ટૂલ્સ, સીસીટીવી એનાલિટિક્સ અને અન્ય ટેકનોલોજીકલ મદદથી 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે.
આ ઓપરેશન ચાર તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું. ગુમ થયેલા બાળકોને શોધવા અને સાયબર તપાસને મજબૂત કરવા ઉપરાંત, આ અભિયાનમાં સાયબર જોખમો વિશે જાહેર જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ સુરક્ષા પદ્ધતિઓ, સાયબર હાઈજીન અને ઈન્ટરનેટના જવાબદાર ઉપયોગ વિશે શિક્ષિત કરવા માટે પોલીસે જાગૃતિ કાર્યક્રમો, આઉટરીચ સેશન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેઈનનું આયોજન કર્યું હતું, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.