Wed Apr 29 2026

Logo

નેશનલ હાઈ વે 48 લોહીલુહાણઃ બે રોડ અક્સમાતમાં નવ જણાના મોત

2026-04-29 16:11:56
Author: Pooja Shah
Article Image

હિંમતનગર-સુરતઃ  ગુજરાતમાં મંગળવારે મોડી રાત્રે અને બુધવારે સવારે ઘટેલી અકસ્માતોની બે ઘટનામાં નવ જણાના જીવ ગયા છે. આ બન્ને અકસ્માત અલગ અલગ સ્થળ પર નેશનલ હાઈ વે 48 પર થયા હતા. 

બુધવારે સવારે ઉત્તર ગુજરાતમાં નેશનલ હાઈ વે 48 પર હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પાસે એક ઝડપથી આવતી ખાનગી બસે કારને ટક્કર મારતા છ જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર કાગળની જેમ ડૂચ્ચો વળી ગઈ હતી. 

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે ભોગ બનનારાઓ મોડાસાના સરદોઈ ગામના રહેવાસી હતા અને કૂપ તરફ જઈ રહ્યા હતા. ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મળતાં જ ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને કેસ નોંધ્યો હતો. વધુ તપાસ ચાલુ છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

આ ટક્કરને કારણે શામળાજી-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બાદમાં અધિકારીઓએ ક્રેનની મદદથી રસ્તો સાફ કરવો પડ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હાઇવે ડિવાઇડર પર ગેરકાયદે કટને કારણે આ અકસ્માત થયો હશે. અધિકારીઓના અનુમાન અનુસાર આ કટમાંથી કાર પસાર થવા ગઈ હશે અને પાછળથી બસે હડફેટે લઈ લીધી હશે. જોકે સ્થાનિકોનું કહેવાનું છે કે આ કટને લીધે અહીં માર્ગ સુરક્ષાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 

જ્યારે અન્ય એક ગમખ્વાર અકસ્માતમાં સુરતના વરછા વિસ્તારના ત્રણ યુવાનની કારને નેશનલ હાઈ વે 48 પાસે જાંબુઆ બ્રિજ નજીક અક્સમાત નડ્યો હતો. ત્રણેય મૃત યુવાન ભાવનગર ખાતે મોગલ ધામમાં એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જતા હતા. તેમની કાર આઈસક્રીમ ટ્રક સાથે અથડાઈ હતી, જે ઊંધી દિશામાંથી આવી રહ્યો હતો. આ અક્સમાત પણ એટલો ભયાનક હતો કે કાર આખી દબાઈ ગઈ હતી. એક યુવાનનું ઘટના સ્થળે અને અન્ય બેનાં પછીથી મોત થયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

મૃતકોની ઓળખ ગોપાલભાઈ કોહાભાઈ કામલીયા (23), યોગેશ કિશોરભાઈ ચાવડા (24) અને આશિષભાઈ પરમાર (28) તરીકે થઈ છે. અન્ય બે, હમીરભાઈ ભુરાભાઈ ભુવા અને દિલીપભાઈ જેઠવા, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકોના પરિવારમાં ગમગીની છવાઈ હતી.