Fri May 08 2026

Logo

વાડીનાર બાદ હવે જામનગર, ઓખા સહિત રાજ્યના 4 બંદરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા કવાયત શરૂ

2026-05-08 15:56:59
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:  
તાજેતરમાં જ ગુજરાતના વાડીનાર બંદર ખાતે  વિશ્વસ્તરીય શિપ રિપેરિંગ હબ વિકસાવવા માટેની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના ચાર મુખ્ય બંદરો—જામનગર, ઓખા, પોરબંદર અને ભાવનગરના સર્વગ્રાહી વિકાસ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા બિડ મંગાવવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરવાનો છે. 

મેરીટાઇમ બોર્ડના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ દ્વારા કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવામાં આવશે અને સમગ્ર પ્રદેશમાં લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેનાથી ગુજરાતની દરિયાઈ ક્ષેત્રે અગ્રણી ભૂમિકા વધુ સુદ્રઢ બનશે.

આ કામગીરી માટે પસંદ કરાયેલ સલાહકારે આગામી ૧૮ મહિનામાં ટ્રાફિકની માંગનો અંદાજ, તકનીકી અભ્યાસ અને પર્યાવરણીય મૂલ્યાંકન સહિતના અહેવાલો તૈયાર કરવાના રહેશે. જેમાં તોફાન અને મોજાંની અસરોનું મેથેમેટિકલ મોડેલિંગ તેમજ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ માટે હિંટરલેન્ડ કનેક્ટિવિટીની દરખાસ્તો સામેલ હશે તેમ બોર્ડે જણાવ્યું હતું.

વધુ જુઓ...