અમદાવાદઃ લોકશાહીમાં સત્તાધારી પક્ષ જેટલો જ મહત્વનો વિરોધપક્ષ હોય છે. જાહેર જનતાના પ્રશ્નોને પ્રશાસન સુધી પહોંચાડવાનું કામ વિપક્ષોએ કરવાનું હોય છે, પરંતુ ગુજરાતમાં ધીમેધીમે વિપક્ષ ગાયબ થતો જાય છે. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે 182માંથી 156 બેઠક મેળવતા વિપક્ષના નેતા ચૂંટી શકાયા ન હતા. ત્યારે હવે મંગળવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ પણ ઘણી સંસ્થાઓમાં વિપક્ષના નેતાના પદ ખાલી રહેશે, તેમ જણાઈ રહ્યું છે.
રાજ્યના મોટા શહેરોની મહાનગરપાલિકાઓની વાત કરીએ તો 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષનેતાની જગ્યા ખાલી રહેશે. ભાજપે તમામ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય તો મેળવ્યો, પરંતુ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂંપડા સાફ થયા અને તેઓ જરૂરી એવી કુલ બેઠકની 10 ટકા બેઠક પણ ન મેળવી શક્યા અને તેથી તેમણે વિપક્ષના નેતાનું પદ ગુમાવ્યું છે.
સૌરાષ્ટ્રના બે મહત્વના શહેર મોરબી અને પોરબંદરમાં ભાજપે તમામ બેઠક પર જીત મેળવતા અન્ય પક્ષોનું ખાતું જ ખૂલ્યું નથી. બન્ને શહેરોની તમામ 52 બેઠક પર ભાજપની જીત થઈ છે. તે ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, નડિયાદ, વડોદરા, નવસારી અને સુરત એમ આઠ અન્ય મહાનગરપાલિકામાં પાર્ટીએ 90% થી વધુ બેઠકો મેળવી છે, જેના કારણે વિરોધી પક્ષોને હાલના નિયમો હેઠળ વિરોધી પક્ષના પદ મળી શકે તેમ નથી.
સૌથી મોટો ઝટકો સુરત મનપાના પરિણામોમાં દેખાયો છે. વર્ષ 2021માં આમ આદમી પાર્ટીએ અહીં 27 બેઠક મેળવી હતી, પણ 2026ની ચૂંટણીમાં માત્ર ચાર ઉમેદવાર જીતી શક્યા અને કૉંગ્રેસે તો એક ઉમેદવારની જીતથી સંતોષ માનવો પડ્યો છે. આથી 120 બેઠકમાંથી 115 બેઠક ભાજપના નામે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં કૉંગ્રેસે ગત ચૂંટણીની ચાર બેઠકને બદલે સાત બેઠક મેળવી નામમાત્ર સારો દેખાવ કર્યો છે, પરંતુ વિપક્ષનેતા પદ મેળવવાથી દૂર છે. આવા જ મોટા શહેર વડોદરા અને સૌરાષ્ટ્રના અન્ય શહેર જામનગરમાં પણ આપ અથવા કૉંગ્રેસ વિપક્ષના નેતાપદથી દૂર છે.
અમદાવાદ, વાપી, ગાંધીધામ, ભાવનગર અને કરમસદ-આણંદ પાંચ મનપા છે જ્યાં વિરોધ પક્ષના નેતાની નિમણૂક માટે ઓછામાં ઓછી બેઠક વિપક્ષના હાથમાં આવી છે. ભાવનગર મનપાના પરિણામો 2021 જેવા જ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકો જાળવી રાખી અને કોંગ્રેસે આઠ બેઠકો પર વિજયી બની છે. વાપી મનપામાં 52 બેઠકોમાંથી, ભાજપે 37 બેઠક જીતી, કોંગ્રેસે 11 બેઠક મેળવી છે અને આદિવાસી સેના પાર્ટીએ ચાર બેઠક પર વિજય મેળવ્યો છે.