કિસ્સો 1 : ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં એક પશુપાલક પર સિંહે હુમલો કર્યો હતો. તોડી ગામમાં સિંહના હુમલાની ઘટના બાદ ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી વિગત પ્રમાણે, સિંહે સૌપ્રથમ વિસ્તારમાં પશુઓ પર હુમલો કર્યો હતો. પોતાના પશુઓને બચાવવા માટે જ્યારે માલધારી વચ્ચે પડ્યો, ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માલધારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કિસ્સો 2: જુલાઈ મહિનામાં સિંહે યુવકનો હાથ અડધો કલાક મોંમાં રાખ્યો ને પછી છોડી દીધો
જુલાઈ મહિનામાં ભાવનગર જિલ્લામાં સિંહે યુવકનો હાથ અડધો કલાક મોંમાં રાખ્યો ને પછી છોડી દીધો હતો. પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા હતા. જે બાદ તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા હતા. ઉપરાંત તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો હતો. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સાવજે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા. અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો હતો.
ગાંધીનગરઃ આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી સિંહોના માનવી પર હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને લઈ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી વિગત પ્રમાણે, અમરેલીના આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે.
શું લેવામાં આવ્યો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે. મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવા, જૈવિક સંતુલન જાળવવા અને પ્રજાતિઓના લાંબા ગાળાના સંક્ષણ માટે વન વિભાગ દ્વારા સમયાંતરે વૈજ્ઞાનિક રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવે છે.
વન્ય પ્રાણીઓના સ્થળાંતર પાછળ સામાન્ય રીતે અનેક કારણો જવાબદાર હોય છે. જ્યારે પ્રાણી ગામડા કે વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસી જાય ત્યારે તેને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં પાછું છોડવામાં આવે છે. આ ઉપરાંત, ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર માટે, વસ્તી નિયંત્રણ અને યોગ્ય રહેઠાણ પૂરું પાડવા માટે પણ સ્થળાંતર કરવામાં આવે છે.