ગાંધીનગર: ગુજરાતમાં મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહેસૂલ વિભાગે 'ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026 ' ગુજરાત વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડતી હતી
મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં ખેતીની જમીનના વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરાવવા માટે સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડતી હતી. જેના કારણે તેમના સમય અને શક્તિનો વ્યય થતો હતો. સરકારી પ્રક્રિયાઓની જટિલતાનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધાઓ ઊભા કરી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને હેરાન કરતા હતા તેમજ તેમનું શોષણ થતું હતું.
કાયદાકીય સુધારા દ્વારા વચેટિયાઓને દૂર કરવાનો હેતુ
આ વિલંબનો કાયમી અંત લાવવા માટે રાજ્ય સરકારે આ કાયદાકીય સુધારો હાથ ધર્યો છે. ઈ-ધરા (e-Dhara)જેવા ડિજિટલ માધ્યમોથી જમીન વહીવટમાં પારદર્શિતા લાવ્યા બાદ હવે આ કાયદાકીય સુધારા દ્વારા વચેટિયાઓ અને નાગરિકોને બિનજરૂરી હેરાન કરનારા તત્વોના રસ્તા બંધ કરવાનો હેતુ છે.
વિધેયક લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં મંત્રી કહ્યું કે સાચા અને સ્પષ્ટ વેચાણ વ્યવહારો કરનાર નાગરિકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા આ સુધારો લવાયો છે.
તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે
જે મુજબ, એક જ દિવસમાં કામની જોગવાઈ અનુસાર, જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે. જેથી ખેડૂત કે ખરીદનારને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે.
તરત નોંધવી અને પ્રમાણિત કરવાની જોગવાઈ
આ ઉપરાંત, જ્યારે કોઈ ફેરફાર નોંધ સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશ અથવા હુકમના આધારે થાય ત્યારે આવી નોંધ કોઈપણ નોટિસ આપ્યા વગર હુકમ પ્રાપ્ત થતા જ તરત નોંધવી અને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આ પ્રજાલક્ષી નીતિના અમલ માટે તાત્કાલિક અસરથી વટહુકમ (Ordinance) લાવીને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ વિધેયક દ્વારા તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓને લાભ આપવાનો
આ સુધારાનો હેતુ કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓને લાભ આપવાનો છે, જેથી નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા અન્ય લાગુ પડતી કાયદાની જોગવાઈઓને આધીન ઝડપથી પૂર્ણ થઈ શકે તેવો હોવાનું તેમણે ઉમેર્યું હતું.