Sat Sep 05 2026

Logo

ગુજરાતના આટલા જિલ્લામાં વરસાદની આગાહી! છતાં રાજકોટમાં કાળઝાળ ગરમીનો અહેસાસ....

2026-03-16 08:31:00
Author: Devayat Khatana
ગુજરાતના આટલા જિલ્લામાં વરસાદની આગાહી! છતાં રાજકોટમાં કાળઝાળ ગરમીનો અહેસાસ....

અમદાવાદ: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જો કે બે દિવસમાં હવામાન બદલાયું છે. આ દરમિયાન પવનો ફૂંકાઈ રહ્યા છે અને બપોર બાદ આછા વાદળોથી આકાશ ઘેરાયેલુ જોવા મળ્યું હતું. આગામી 18-19 માર્ચના રોજ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન લોકોને ગરમીથી થોડીક રાહત મળી છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 38 ડિગ્રી સેલ્સિયસ,   ગાંધીનગરમાં 37.9 ડિગ્રી સેલ્સિયસ,  ડીસામાં 37 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 35.3 ડિગ્રી સેલ્સિયસ અને દાહોદમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, જ્યાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

રાજ્યમાં ૧૮ માર્ચથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. 18મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. 19 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધશે, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ૨૦ માર્ચના રોજ પણ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગે 18 અને 19 માર્ચ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે, જેમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.