Sat May 02 2026

Logo

2002 રમખાણોના બે કેસમાં આરોપીઓના નિર્દોષ છૂટકારાના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો

2026-05-02 15:41:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 2002ના રમખાણો સાથે જોડાયેલા હિંસાના બે અલગ-અલગ કેસોમાં નીચલી અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ છોડવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર દ્વારા 2003માં અને એક ખાનગી અરજદાર દ્વારા 2007માં દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી હતી. બેન્ચે વડોદરામાં સામસુદ્દીન ઉર્ફે કાસમ ખાન નામના વ્યક્તિને જીવતો અગ્નિમાં હોમી દેવાના કેસમાં પાંચ શખ્સોને નિર્દોષ જાહેર કરવાના વડોદરા સેશન્સ કોર્ટના 2003ના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો.

વડોદરાના કેસમાં ફરિયાદ પક્ષનો આક્ષેપ હતો કે ફેબ્રુઆરી, 2002ના રોજ લગભગ 200 લોકોના ટોળાએ સામસુદ્દીનના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને તેને જીવતો બાળી નાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે પુરાવાઓને સમજવામાં ભૂલ કરી હતી. જોકે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટ મુજબ મળી આવેલા હાડકાં મૃતકના જ હતા તે સાબિત થઈ શક્યું નથી. વધુમાં, મુખ્ય ફરિયાદીએ પોતે જ સ્વીકાર્યું હતું કે અંધારાને કારણે તે તોફાનીઓને ઓળખી શક્યો નહોતો. 

બીજા એક કિસ્સામાં, જસ્ટિસ એચ.ડી. સુથારે પંચમહાલ જિલ્લાના રામેશ્વરા ગામમાં થયેલી હિંસા અંગેની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં માર્ચ, 2002ના રોજ ટોળાએ એક દંપતીની હત્યા કરી હોવાનો આરોપ હતો. હાઈકોર્ટે નીચલી અદાલતના તારણો સાથે સહમતી દર્શાવતા કહ્યું કે સાક્ષીઓના નિવેદનોમાં ભારે વિરોધાભાસ હતો અને ઘટનાસ્થળેથી કોઈ આરોપી પકડાયો નહોતો. હથિયારોની ઓળખ પણ થઈ શકી નહોતી. આમ, બંને કેસોમાં પૂરતા પુરાવાના અભાવે હાઈકોર્ટે નિર્દોષ છૂટેલા તમામ આરોપીઓના ચુકાદાને માન્ય રાખ્યો હતો.