અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (જીયુ) દ્વારા બીએ ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા આજીવન કેદની સજા પામેલા એક કેદીએ ફરજિયાત ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાંથી કામચલાઉ જામીન માંગ્યા હતા અને દલીલ કરી હતી કે તેના વિના તેને ડિગ્રી મળશે નહીં. જીયુ એ કોર્ટને જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપની જરૂરિયાત બીએના વિદ્યાર્થીઓને લાગુ પડે છે પરંતુ તે જેલમાં રહીને પણ કરી શકાય છે. જીયુના આવા જવાબ બાદ કેદીએ અરજી પરક ખેંચી લીધી હતી. જોકે, જેલમાં રહીને ઈન્ટર્નશિપ કઈ રીતે થઈ શકે તે અંગે જીયુએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
અહેવાલો દ્વારા મળતી વિગતો અનુસાર ભૂપત રબારી (૨૬), જેને ૨૦૧૮ ના ખંડણી માટે અપહરણ કેસમાં શહેરની સેશન્સ કોર્ટે ૨૦૨૦ માં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી, તેણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને પણ પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું છે. તે અગાઉ બીએસસીનો અભ્યાસ કરી રહ્યો હતો અને બાદમાં બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી માટે જીયુમાં એક્સટર્નલ સ્ટુ઼ડન્ટ તરીકે અભ્યાસ કરતો હતો. તેણે તાજેતરમાં સેમેસ્ટર ૬ની પરીક્ષા આપવા માટે ૧૦ દિવસના કામચલાઉ જામીન પણ મેળવ્યા હતા. ત્યારબાદ રબારીએ ફરી ઈન્ટર્નશિપ માટે કામચાલઉ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે રબારીને હમણાં જ કામચલાઉ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, આથી ફરી જામીન આપવા કોર્ટ તૈયાર ન હતી. કોર્ટે પ્રશ્ન કર્યો કે શું બીએ ડિગ્રી માટે ઇન્ટર્નશિપ જરૂરી છે.
કોર્ટના પ્રશ્ન પર, જીયુના વકીલે સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટર્નશિપ ફરજિયાત છે, પરંતુ જેલમાંથી પણ કરી શકાય છે. જીયુના જવાબ બાદ, રબારીએ જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ તેમના વકીલે કેદીઓના ઇન્ટરનેટ ઉપયોગ પર પ્રતિબંધોનો ઉલ્લેખ કરીને ઇન્ટર્નશિપ માટે ઇન્ટરનેટ ઍક્સેસ આપવા માટે જેલ અધિકારીઓને નિર્દેશો આપવામાં આવે તેવી માગ કરી હતી. આ સંદર્ભે કોર્ટે જણાવ્યું હતું કે જો વર્ચ્યુઅલ મોડ માન્ય હોય, તો જેલ સત્તાવાળા જરૂરી વ્યવસ્થા અંગે નિર્ણય લઈ શકે છે.