અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટના જજે ગાંધીનગર IITની વિદ્યાર્થિની જીન્સ-ટી શર્ટ પહેરીને આવતા તેને કાઢી મૂકી હતી. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IIT-Gn)ની એક વિદ્યાર્થિનીને કથિત ગેરશિસ્ત બદલ સંસ્થા દ્વારા લાદવામાં આવેલા એક સેમેસ્ટરના સસ્પેન્શનને પડકારતી તેની અરજીની સુનાવણી માટે ત્યાં હાજર રહી હતી.
સ્ટાફ સાથે કથિત અસભ્ય વર્તન અને ધમકીભરી ભાષાના ઉપયોગ બદલ સંસ્થાએ તેના પર સસ્પેન્શન લાદ્યું હતું, જેની સામે તેણે અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન તેણે જીન્સ અને શર્ટ પહેર્યા હતા. તેના સસ્પેન્શન ઓર્ડરમાં, IIT-Gn એ તેના વર્તનને IIT-Gn ના વિદ્યાર્થીને ન શોભે તેવું ગણાવ્યું હતું.
કોર્ટમાં યોગ્ય પોશાકમાં આવવું જોઈએ
જ્યારે વિદ્યાર્થિનીના વકીલે તેના પહેરવેશનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ન્યાયાધીશે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પાસે પસંદગીનો અધિકાર છે અને તે તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે કયા સ્થળની મુલાકાત લઈ રહ્યા છે તેના પર નિર્ભર કરે છે. મારા જીવનમાં આવું પ્રથમ વખત બન્યું છે, પરંતુ જો કોઈ કોર્ટમાં આવતું હોય, તો તેણે યોગ્ય પોશાકમાં હોવું જોઈએ.
હું કોર્ટને ન્યાયનું મંદિર માનું છુંઃ ન્યાયાધીશ
સુનાવણી પૂર્ણ થયા બાદ, ન્યાયાધીશે તેના વકીલને કહ્યું, મને માફ કરશો, પરંતુ હું કોર્ટને ન્યાયનું મંદિર માનું છું અને લોકોએ તેની ગરિમા જાળવવી જોઈએ. વરિષ્ઠ વકીલે કોર્ટને આ બાબતને જતી કરવા વિનંતી કરતા કહ્યું કે, અરજદારનો પોશાક કોર્ટના વિવેકબુદ્ધિપૂર્ણ નિર્ણયને અસર ન કરી શકે.
સોશિયલ ડેવલપમેન્ટમાં એમ.એ. (MA) ના અંતિમ સેમેસ્ટરમાં ભણતી આ વિદ્યાર્થિનીએ તેના વકીલ દ્વારા દલીલ કરી હતી કે, આ સસ્પેન્શન ફિલ્ડવર્ક માટે મળતી અપૂરતી ગ્રાન્ટ બાબતે એક એકાઉન્ટ ઓફિસર સાથે થયેલી બોલાચાલી અને તેના વિરોધ કરવાની રીતના કારણે આપવામાં આવ્યું છે. તેના વકીલે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાનો તેના પ્રત્યેનો અભિપ્રાય અગાઉની એક ઘટનાથી પણ પ્રભાવિત હતો, જેમાં કથિત રીતે બોયઝ હોસ્ટેલમાં રહેવા બદલ તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર, ત્યારથી તે કેમ્પસની બહાર રહી રહી છે.
કોર્ટની કાર્યવાહી
પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે હાઈ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતા, વિદ્યાર્થિનીના વકીલે એમ પણ કહ્યું હતું કે સંસ્થાને માફી પત્ર સુપરત કરવામાં આવશે. અગાઉ સંસ્થાએ એવું વલણ અપનાવ્યું હતું કે તેની અગાઉની માફીમાં પસ્તાવો દેખાતો નહોતો.
સુનાવણી બાદ, હાઈ કોર્ટે IIT-Gn ને નોટિસ ફટકારી હતી અને જણાવ્યું હતું કે, નોટિસ, 29 એપ્રિલ, 2026 સુધીમાં જવાબ આપવા પાત્ર છે. આ મામલે વધુ સુનાવણી બુધવારે થશે.