(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વૈશાખ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આકાશે આંબી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીને વટાવી જતાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં લોકો અસહ્ય અકળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, અમદાવાદ 43.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 42.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યના અન્ય શહેરોમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર 42.5 ડિગ્રી અને અમરેલી 41.9 ડિગ્રી તાપમાન સાથે તપી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ગરમીનું જોર યથાવત છે, જ્યાં ડીસામાં 40.8 ડિગ્રી અને ભુજમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં પારો 39.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. દિવસે પડી રહેલી આકરી ગરમી અને લૂના કારણે બપોરના સમયે માર્ગો પર લોકોન અવરજવર ઓછી જોવા મળી રહી છે.