Fri May 01 2026

Logo

ગુજરાતના વન વિભાગે કીડીખાઉંની તસ્કરીનો કર્યો પર્દાફાશ, નાગપુરથી આ રીતે લાવવામાં આવ્યું હતું

2026-05-01 10:56:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતના વન વિભાગે કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. મહારાષ્ટ્રના નાગપુરના જંગલમાંથી કીડીખાંઉની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે, 20 એપ્રિલે વન વિભાગ દ્વારા સેવાલિયા જૂની ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ સમયે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર અટકાવી હતી. ગાડીની ડેકીમાં તપાસ કરતાં ટ્રોલી બેગમાંથી શિડ્યૂલ-1માં આવતું કીડીખાઉં મળી આવ્યું હતું. વન વિભાગે તલાશી શરૂ કરતાં જ આરોપીએ ગાડી ભગાવી હતી પરંતુ ચેક પોસ્ટની આગળ ટ્રાફિક હોવાથી વન અને પોલીસના જવાનોને તસ્કરી કરી રહેલી ગાડી રોકી લીધી હતી. આ સમયે કારમાં સવાર પાંચમાંથી ત્રણ પકડાયા હતા અને બે આરોપી ફરાર થઈ ગયા હતા.

કેવી રીતે કીડીખાંઉની તસ્કરીનો થયો પર્દાફાશ

નાગપુરના ઉમરેડ ગામના રહેવાસી દિનેશ પ્રભાકરરાવની દોઢ વર્ષ અગાઉ નાગપુરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મૂળ નાગપુરના વતની અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મનોજ ગાયકવાડ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. ચારેક મહિના અગાઉ મનોજે દિનેશને ફોન કરીને જણાવ્યું કે, કીડીખાઉં, કાચબા, આંધળી ચાકળ અને અમરવેલ જેવી વસ્તુઓની અમદાવાદમાં ખૂબ ઊંચી કિંમત મળે છે, તેથી દિનેશને આવી વસ્તુઓ શોધવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપી દિનેશે નાગપુરમાં તેના પરિચિતોને આ પ્રકારની વસ્તુઓ શોધી લાવવા કહ્યું અને તેના મળતિયાઓ કામે લાગી ગયા હતા. 

ગઢચિરોલીના જંગલમાંથી પકડ્યું હતું કીડીખાંઉ

12 એપ્રિલના રોજ ગઢચિરોલી ગામના સાધુ હીચ્ચામીએ જંગલમાંથી કીડીખાંઉને પકડી પોતાની પાસે રાખ્યું હતું. ત્યારબાદ દિનેશે તેના મિત્ર મનોજને જાણ કરતા મનોજે જણાવ્યું કે તે અમદાવાદથી ગ્રાહકને લઈને રૂબરૂ ડિલિવરી લેવા આવશે અને દિનેશને તે લઈને અમદાવાદ રેલવે સ્ટેશન આવી જવા કહ્યું હતું. ત્યારબાદ આ વન્યજીવ તસ્કરોની ટોળકીએ અમદાવાદ આવવા માટે મિત્રો સાથે ફરવા જવાનું બહાનું કાઢ્યું હતું. તેમણે બનાવટી લાઇસન્સના આધારે એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા કાર ભાડે લીધી અને તેમાં ટ્રોલી બેગમાં કીડીખાંઉને મૂકીને રવીન્દ્ર, દિનેશ, નરેન્દ્ર, સાધુ હીચ્ચામી તથા રામદાસ રામ ટેકે ગાડી લઈને બેતુલ-ઇન્દોર-દાહોદ-સેવાલિયા થઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા. 

આ રીતે ગુજરાતમાં તસ્કરીથી લાવવામાં આવ્યું હતું કીડીખાંઉ

આરોપીઓ જ્યારે ગુજરાત-મધ્યપ્રદેશની સરહદથી 7-8 કિલોમીટર નજીક પહોંચ્યા ત્યારે સામેથી બે એક્ટિવા પર આરોપી રવિ રાજપૂત અને વિનોદ ગાયકવાડ આવી પહોંચ્યા હતા. રવિ રાજપૂત પોલીસ જેવો ગણવેશ ધારણ કરીને આવ્યો હોવાથી તેણે ગાડી ચલાવવાનું શરૂ કર્યું અને દિનેશ તથા વિનોદ બંને એક્ટિવા લઈને પાયલોટિંગ કરવા લાગ્યા હતા. 

20 એપ્રિલે સાંજના છ વાગ્યાની આસપાસ સેવાલિયા જૂની ચેક પોસ્ટ ખાતે પહોંચ્યા ત્યાં ચેકિંગમાં ઊભેલી વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે ગાડી રોકી તપાસ કરી ત્યારે ટ્રોલીબેગમાંથી કીડીખાંઉ મળી આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ગાડી પૂરપાટ હંકારી મૂકી હતી, પરંતુ થોડે દૂર જતા જ વન વિભાગ અને પોલીસના સ્ટાફે ગાડી રોકી લીધી હતી. ગાડીમાંથી દિનેશ, રવીન્દ્ર અને નરેન્દ્રને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ હીચ્ચામી અને રામદાસ રામ ટેકે ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત, પાયલોટિંગ કરી રહેલા રવિ રાજપૂત અને વિનોદ ગાયકવાડ પણ એક્ટિવા પર હોવાથી નાસી ગયા હતા.