Thu Apr 23 2026

Logo

ખેડૂતો પર પડતા પર પાટુ: ખાતરમાં રૂ. 850 સુધીનો ભાવ વધારો અને અછત મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી

2026-04-23 19:03:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે ખાતરની અછત અને વધતા ભાવ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારનું "આત્મનિર્ભર ભારત" કૃષિ ક્ષેત્રે માત્ર એક પોકળ સ્લોગન સાબિત થયું છે. હાલમાં ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતર મેળવવા માટે ખેડૂતોએ કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડે છે, જ્યારે કાળાબજારિયાઓ બેફામ બન્યા છે. ભારત હજુ પણ ખાતર માટે મોટાપાયે આયાત પર નિર્ભર છે અને ૨૦૨૬ની ખરીફ સીઝન માટે ૩૯ મિલિયન ટનની માંગ સામે માત્ર ૧૮ મિલિયન ટનનો સ્ટોક ઉપલબ્ધ છે, જે કૃષિ ક્ષેત્ર માટે ખતરનાક સંકેત છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા દસ મહિનામાં ડીએપી, એનપીકે અને પોટાશ જેવા ખાતરોમાં રૂ. ૧૫૦ થી લઈને રૂ. ૮૫૦ સુધીનો તોતિંગ ભાવ વધારો ખેડૂતો પર ઝીંકવામાં આવ્યો છે. યુપીએ સરકારના સમયમાં ડોલરના ભાવ વધવા છતાં સબસિડી વધારીને ખેડૂતોને રક્ષણ અપાતું હતું, પરંતુ વર્તમાન સરકારે સબસિડી ફિક્સ કરી દેતા વધારાનો બોજ ખેડૂતોના માથે આવ્યો છે. આ ઉપરાંત, છેલ્લા બે વર્ષથી પ્રમોટ કરવામાં આવતું નેનો યુરિયા પાક માટે અસરકારક સાબિત થયું નથી. અપૂરતા ખાતરને કારણે ગુજરાતના ખેડૂતોને પાક ઉત્પાદનમાં ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

આગળ તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો અસ્થિર ચોમાસું અને દેવાના બોજ તળે દબાયેલા છે, ત્યારે ખાતરની આ કટોકટીએ તેમની મુસીબતોમાં વધારો કર્યો છે. કોંગ્રેસે માંગ કરી હતી કે ખરીફ સીઝન માટે ખાતરના ભાવ તાત્કાલિક સ્થિર કરવામાં આવે અને ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નક્કર પગલાં લેવાય. કોંગ્રેસે આ પરિસ્થિતિને "રાષ્ટ્રીય કટોકટી" ગણાવી અન્નદાતાઓ સાથે થયેલા વિશ્વાસઘાત સામે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.