અમદાવાદઃ મહાનગર અમદાવાદના લોકોની ફરિયાદનો હવે ઝડપથી નિકાલ થશે. આ વિઝનના અમલીકરણ માટે રાજ્યના નવા DGP જી.એસ. મલિકે એક મહત્ત્વના આદેશ કર્યો છે. ખાસ કરીને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ આ માટે ખાસ સમય ફાળવીને લોકોને મદદ કરવા અને એમની સમસ્યાનો નિકાલ કરવા માટે સમયમર્યાદા પણ આપી દીધી છે. આ પરથી કહી શકાય કે, હવે પોલીસ પ્રજાનું સાંભળશે જ નહીં પણ સમસ્યાનો નિકાલ પણ કરી દેશે. ડીજીપી જી.એસ. મલિકે એક ઐતિહાસિક નિર્ણય લેતા રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને સ્ટેશનના પીઆઈ સુધીના અધિકારીઓને દૈનિક ધોરણે બે કલાક પ્રજાને આપવાનો આદેશ આપ્યો છે.
નાગરિકોના પ્રશ્નોનો નિકાલ આવશે
નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે, એમની સમસ્યાનો નિકાલ કરવા અને યોગ્ય માર્ગદર્શન કરવા માટે આ સમય આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ પાછળનો મુખ્ય હતું એ છે કે, નાગિરકોને યોગ્ય રીતે ન્યાય મળે અને પોલીસ એમની ફરિયાદને શાંતિથી સાંભળે.આથી નાગરિકો ન્યાય કે ફરિયાદ માટે ગાંધીનગરમાં આવેલી ડીજીપી કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાય. એમના જ વિસ્તારોમાં એમની મુશ્કેલીઓનો અંત આવે. આ પગલાથી નાગરિકોને ફાયદો થશે અને સચિવાલયમાં ફરિયાદની લાંબી લાઈ થતી અટકી જશે. વાત જ્યાં અમલવારી પર આવીને અટકે છે ત્યાં હવે આ નિર્ણય જો ખરેખર અસરકારક સાબિત થાય અને દરેક અધિકારી આનું ચુસ્તપણ પાલન કરે તો સો ટકા ગુનાખોરીની દુનિયામાં નિયંત્રણની શરૂઆત થઈ જશે. ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર, અધિક, સંયુક્ત, રેન્જ IG, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર (DCP/ACP) તથા જિલ્લા પોલીસ વડા (SP) કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12:00થી 02:00 વાગ્યાનો સમય નાગરિકોને આપવાનો રહેશે. આ સમય દરમિયાન નાગરિકોની ફરિયાદ સાંભળવાની રહેશે.
અન્ય અધિકારી પણ જવાબદારી નિભાવશે
જો કોઈ અનિવાર્ય કારણોસર મુખ્ય અધિકારી હાજર નહીં હોય તો કચેરીના અન્ય અધિકારી તથા રીડરે આ જવાબદારી નિભાવવાની રહેશે. પોલીસે નાગરિકોની ફરિયાદ કે રજૂઆત પણ સ્વીકારવાની રહેશે. બીજી તરફ પોલીસ સ્ટેશનના પીઆઈએ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન કચેરીમાં હાજર રહેવું પડશે.આ સમયે પણ નાગરિકોની ફરિયાદ સાંભળવાની રહેશે.જે તે ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની રહશે. આનાથી ફાયદો એ થશે કે, નાગરિકોને ઉચ્ચ અધિકારીઓની ઓફિસના દ્વાર ખખડાવવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે. ડીજીપીના આદેશ અનુસાર અરજીના નિકાલ માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આર્થિક ગુના, વૈવાહિક મામલા, પારિવારિક વિવાદ, રજૂઆત, સુરક્ષાના મુદ્દા, તબીબી બેદરકારી, ભ્રષ્ટાચાર જેવી ફરિયાદનો નિકાલ મહત્તમ છ દિવસામાં કરવાનો રહેશે જ્યારે અન્ય પ્રકારની ફરિયાદમાં 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ખાસ રજીસ્ટર મેઈનટેન થશે
આ સમગ્ર પ્રક્રિયા માત્ર મૌખિક નથી, આ માટે ખાસ રજીસ્ટર મેઈનટેઈન થશે, નાગરિકોની ફરિયાદમાં પોલીસને યોગ્ય લાગશે તો FIR પણ કરવામાં આવશે. વહીવટી પારદર્શિતા જળવાઈ રહે એ માટે કચેરીમાં નાગરિકોની એન્ટ્રી થશે, નામ લખાશે અને ફરિયાદના પ્રકારના આધારે વર્ગીકરણ પણ થશે. FIR નોંધાયા બાદ યોગ્ય કાયદાકિય પ્રક્રિયા થશે અને કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. ડીજીપીએ ખાસ જણાવ્યું હતું કે, અધિકારી દરેક અરજી પર તટસ્થા અને પાદર્શિતા રાખીના તપાસ કરે. ડીજીપીનો આ આદેશ ભલે અધિકારીઓ માટે મેનેજમેન્ટ માગે એવો છે પણ નાગરિકોને આનાથી મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને જે તે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં એક પરિવર્તન આવશે એવું ચિત્ર ટૂંક સમયમાં જોવા મળે તો નવાઈ નહીં.