Thu Jun 11 2026

Logo

ગાંધીનગરમાં ગર્જશે કોંગ્રેસ: 1111 ટ્રેક્ટર સાથે સોમવારે યોજાશે 'ખેડૂત સત્યાગ્રહ યાત્રા'

2026-06-11 17:11:47
Author: Devayat Khatana
Article Image

56 લાખ ખેડૂતોનું દેવું માફ કરવા અને મફત વીજળીની માંગ સાથે વિપક્ષ સરકારને ઘેરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના મુદ્દાઓ પર વિરોધ પક્ષો સરકારને ઘેરી રહી છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ રાજ્યના ખેડૂતોના વણઉકલ્યા પ્રશ્નો તેમ જ સરકારની નીતિ સામે આગામી 15મી જૂનના સોમવારે ગાંધીનગર ખાતે “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા"નું કરવાની જાહેરાત કરી છે. 

આ અંગે કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલ સહિત 200થી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મળતી વિગતો અનુસાર બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટ્રેક્ટર રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર માત્ર કાગળ પર ખેડૂતને 'જગતનો તાત' કહે છે પરંતુ વાસ્તવમાં આયોજન વગરની નીતિઓના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે અને મંત્રીઓ તેમ જ આઈએએસ-આઈપીએસ અધિકારીઓ બળજબરીથી ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓની વીજ લાઈનો નંખાવી રહ્યા છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર 15મી જૂને ખેડૂતો શાંતિપુરા સર્કલથી કૂચ શરૂ કરશે અને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ખાતે એકઠા થઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ સીધી રજૂ કરશે. તેમની માંગણીઓમાં ગુજરાતના 56 લાખ ખેડૂતોના માથે રહેલું રૂ. 96 હજાર કરોડનું ખેતી દેવું અન્ય રાજ્યોની જેમ સંપૂર્ણ માફ કરવામાં આવે, ખેતી માટે મફત વીજળી આપવામાં આવે, જમીન માપણી તેમજ કાપણીની સદોષ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત ખેડૂતોને તેમની ખેત પેદાશો અને દૂધના પોષણક્ષમ ભાવ મળે તેમજ ખાતર, બિયારણ, ડીઝલ અને જંતુનાશક દવાઓ પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવશે. 

કોંગ્રેસના નેતાઓએ  ભાજપ સરકાર પર જમીન સંપાદનમાં પક્ષના વચેટિયાઓને ફાયદો કરાવીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોટી વીજ કંપનીઓ પોલીસ તંત્રની મદદ લઈને ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી હાઈ-ટેન્શન લાઈનો નાખી રહી છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે. 

કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટીતંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ કોઈ વિધાનસભા ઘેરાવો નથી પરંતુ ઉદાસીન ભાજપ સરકારને જગાડવા માટેનું  અલ્ટીમેટમ હોવાનું જણાવ્યું હતું.